Sourav Ganguly New Roles: બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને વધુ એક મોટી જવાબદારી મળી છે. હવે તેઓ આઈસીસી (ICC) ક્રિકેટ કાઉન્સિલના નવા ચેરમેન બન્યા છે. બુધવારે આઈસીસીની ગવર્નિંગ બોડીએ આ વાતની પુષ્ટિ કરી છે. સૌરવ ગાંગુલી અનિલ કુંબલેના બદલે આ પદ સંભાળશે.


કુંબલેએ 2012માં સંભાળ્યો હતો ચાર્જ


સૌરવ ગાંગુલી પહેલા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને કોચ રહી ચુકેલા અનિલ કુંબલે આઈસીસી ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન હતા. તેમણે 2012માં આ પદ સંભાળ્યું હતું અને ત્રણ-ત્રણ વર્ષની ત્રણ ટર્મ પૂરી કરી હતી.


શું કહ્યું આઈસીસી ચેરમેને


બુધવારે સૌરવ ગાંગુલીના નામની જાહેરાત કરતાં આઈસીસી ચેરમેન ગ્રેગ બાર્કલે કહ્યું, હું પદ માટે સૌરવ ગાંગુલીના નામની જાહેરાત કરીને ઘણો ઉત્સાહિત છું. તે દુનિયાના શ્રેષ્ઠ ખેલાડી રહ્યા છે. તેનો અનુભવ ક્રિકેટ સાથે સંકળાયેલા ફેંસલામાં મદદ કરશે. હું અનિલ કુંબલેનો પણ આભાર માનવા માંગુ છું. જેમણે 9 વર્ષ સુધી આ પદ પર રહીને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. આ દરમિયાન ક્રિકેટના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ ફેંસલા લેવામાં આવ્યા. જેમાં સૌથી મહત્વપૂર્ણ ડીઆરએસ હતું.


શું હોય છે આ કાઉન્સિલનું કામ


આઈસીસીની આ કમિટી રમતની પરિસ્થિતિ અને નિયમોનું મોનિટરિંગ કરે છે. ઉપરાંત ક્રિકેટને વધારે રોમાંચક બનાવવા નવા નિયમો અને જુના નિયમોમાં બદલાવનું સૂચન કરે છે.


કેટલાક અન્ય મહત્વપૂર્ણ ફેંસલા પણ લેવાયા


ગાંગુલીની નિમણૂંક ઉપરાંત આઈસીસીએ બુધવારે વધુ એક મહત્વપૂર્ણ ફેંસલો કર્યો હતો. જે અંતર્ગત વર્કિંગ ગ્રુપની સ્થાપના કરવામાં આવી છે. જે અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન આવ્યા બાદ ત્યાં ક્રિકેટના ભવિષ્ય પર નજર રાખશે. ખાસ કરીને અહીંયા મહિલા ક્રિકેટના ભવિષ્યને લઈ વિશેષ ધ્યાન આપવામાં આવશે.