IND vs SA T20I Series: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી-20 સીરીઝની શરૂઆત પહેલા જ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો મુખ્ય ઝડપી બોલર લુંગી એનગિડી આખી શ્રેણીમાંથી બહાર થયો  છે. લુંગી એનગિડી ઈજામાંથી સંપૂર્ણ રીતે બહાર ન આવવાને કારણે ટીમમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ બ્યુરોન હેન્ડ્રિક્સને ટીમમાં એન્ટ્રી મળી છે. લુંગી એનગિડી ડાબા પગની ઘૂંટીમાં ઈજાના કારણે T20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. હવે તે ભારત સામેની ટેસ્ટ શ્રેણી પહેલા પોતાને ફિટ કરવાનો પ્રયાસ કરશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી-20 સીરીઝની શરૂઆત પહેલા જ ટીમને મોટો ઝટકો લાગ્યો છે.


હેન્ડ્રિક્સને બે વર્ષ બાદ તક મળશે


લુંગી એનગિડીની બાદબાકી બાદ દક્ષિણ આફ્રિકાની ટીમ સાથે જોડાયેલા 33 વર્ષીય બાયરોન હેન્ડ્રીક્સ બે વર્ષથી વધુ સમય બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરશે. તે છેલ્લે જુલાઈ 2021માં પ્રોટીઝ ટીમ માટે રમ્યો હતો. આ ડાબા હાથના ફાસ્ટ બોલરે અત્યાર સુધીમાં એક ટેસ્ટ, આઠ વનડે અને 19 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. T20 ઇન્ટરનેશનલમાં હેન્ડ્રિક્સનો રેકોર્ડ સરેરાશ રહ્યો છે. તેણે 19 મેચમાં 25ની બોલિંગ એવરેજથી 25 વિકેટ લીધી છે. જોકે, આ સમયગાળા દરમિયાન તેણે 9.19ના ઈકોનોમી રેટથી રન પણ આપ્યા છે.


T20 શ્રેણીમાં  બોલિંગ નબળી રહી શકે છે


દક્ષિણ આફ્રિકાએ ભારત સામેની T20 શ્રેણીમાં તેના સૌથી મહત્વપૂર્ણ બોલર કાગિસો રબાડાને પણ આરામ આપ્યો છે. હવે લુંગી એનગિડી સીરીઝમાંથી બહાર  થયા બાદ  ટીમનું ઝડપી બોલિંગ આક્રમણ થોડું નબળું દેખાશે. હવે આ ટીમમાં ઝડપી બોલિંગ આક્રમણની જવાબદારી ગેરાલ્ડ કોએત્ઝી, નાન્દ્રે બર્જર, ઓટનીલ બાર્ટમેન અને લિઝાર્ડ વિલિયમ્સ પર રહેશે. આ ચાર ઝડપી બોલરો પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો ઓછો અનુભવ છે.


આ શ્રેણી 10 ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે


ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 10 ડિસેમ્બરથી ત્રણ મેચની T20 શ્રેણી શરૂ થશે. પ્રથમ મેચ ડરબનમાં રમાશે. આ પછી 12 ડિસેમ્બરે ગ્કેબરહા અને 14 ડિસેમ્બરે જોહાનિસબર્ગમાં ટી-20 મેચ યોજાશે. આના બે દિવસ પછી, બંને ટીમો વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાશે, જે 17 થી 21 ડિસેમ્બર સુધી ચાલશે. 26 ડિસેમ્બરથી આ ટીમો બે મેચની ટેસ્ટ શ્રેણીમાં ટકરાતી જોવા મળશે.