T20 World Cup 2024: અત્યારે ટી20 વર્લ્ડકપ 2024 ચાલી રહ્યો છે, અને મોટા સમાચાર એ છે મોટી અને ઘાતક ગણાતી ટીમો સુપર 8 માટે ક્વૉલિફાય નથી કરી શકી, આમાં પાકિસ્તાની ટીમ પણ સામેલ છે. પાકિસ્તાન પોતાના ખરાબ પ્રદર્શનને કારણે T20 વર્લ્ડકપના સુપર-8 તબક્કામાં પહોંચી શક્યુ નથી. આવી સ્થિતિમાં પાકિસ્તાનની ટીમનું સ્વદેશ પરત ફરવું નક્કી છે, પરંતુ તે પહેલા સમાચાર આવ્યા છે કે ટીમના ઘણા ખેલાડીઓ થોડા દિવસો બાદ સ્વદેશ પરત ફરશે, પરંતુ તે પહેલા તેઓ લંડનમાં વેકેશન એન્જૉય કરશે. એક મીડિયા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે કેપ્ટન બાબર આઝમ સહિત 6 ખેલાડીઓ તેમના પરિવાર સાથે લંડનમાં વેકેશન એન્જૉય જઈ રહ્યા છે. જ્યારે ટીમના અન્ય ખેલાડીઓ 19 જૂને દુબઈ થઈને પાકિસ્તાન પરત જવાના છે.


રિપોર્ટ અનુસાર કેપ્ટન બાબર આઝમ, ઈમાદ વસીમ, આઝમ ખાન, મોહમ્મદ આમિર, હેરિસ રઉફ અને શાદાબ ખાન હાલ પાકિસ્તાન પરત નહીં ફરે. મુખ્ય કૉચ ગેરી કર્સ્ટન અને સહાયક કૉચ અઝહર મહમૂદ પોતપોતાના ઘરે પરત ફરશે કારણ કે પાકિસ્તાન ટીમ શિડ્યૂલ મુજબ આગામી થોડા સમયમાં કોઈ સીરીઝ રમશે નહીં. પાકિસ્તાનની ટીમ લગભગ બે મહિના પછી ઓગસ્ટમાં બાંગ્લાદેશની ટીમની યજમાની કરશે, જેની વચ્ચે ટેસ્ટ સીરીઝ રમવાની છે. જે બાદ ઈંગ્લેન્ડની ટીમ ઓક્ટોબરમાં પાકિસ્તાનનો પ્રવાસ કરશે.


પાકિસ્તાન ટીમની થશે કાયાપલટ ?
હાલમાં જ અફવા ફેલાઈ છે કે ટીમના ભવિષ્યને લઈને મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે. કેટલાક અહેવાલો એવું પણ કહે છે કે પસંદગી સમિતિમાં મોટા ફેરફારો શક્ય છે. આ સિવાય કેપ્ટન બાબર આઝમે સંકેત આપ્યો છે કે ટીમમાં ફેરફાર શક્ય છે કારણ કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ટૂંક સમયમાં કેપ્ટનશિપના વિષય પર ચર્ચા કરી શકે છે.


પાકિસ્તાન ટીમનું ખરાબ પ્રદર્શન 
T20 વર્લ્ડકપ 2024માં પાકિસ્તાન તેની પહેલી જ મેચમાં યુએસએ સામે હારી ગયું હતું. તે પછી જ પાકિસ્તાનની ટીમ પર વર્લ્ડકપમાંથી બહાર થવાનો ખતરો મંડરાઈ ગયો હતો. આ દરમિયાન પાકિસ્તાનને ભારતના હાથે 6 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. બાબર આઝમ એન્ડ કંપનીએ કેનેડાને હરાવીને 2 પોઈન્ટ જીત્યા હતા. ટીમ મૂંઝવણમાં ફસાઈ ગઈ હતી કારણ કે પાકિસ્તાનની પ્રગતિ માટે, આયર્લેન્ડ માટે યુએસએને હરાવવું ખૂબ જ મહત્વપૂર્ણ હતું. પરંતુ તે મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી, જેના કારણે પાકિસ્તાનની ટીમ બહાર થઈ ગઈ હતી.