Bangladesh beat Pakistan by 6 wickets in 2nd test: બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે નઝમુલ હૂસૈન શાંતોની કેપ્ટનશીપમાં રાવલપિંડીમાં ઈતિહાસ રચ્યો છે. બાંગ્લાદેશે બીજી ટેસ્ટમાં પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. આ સાથે બાંગ્લાદેશે બે મેચની ટેસ્ટ સીરીઝ પણ 2-0થી જીતી લીધી છે. બાંગ્લાદેશે પ્રથમ વખત પાકિસ્તાન સામે ટેસ્ટ સીરીઝ જીતી છે. બાંગ્લાદેશની આ ઐતિહાસિક જીતમાં મહેંદી હસન મેરાજ, લિટન દાસ, હસન મહેમૂદ અને નાહિદ રાણાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.


ટેસ્ટ સીરીઝમાં હારથી બચવા માટે પાકિસ્તાને બીજી ટેસ્ટ મેચ કોઈપણ ભોગે જીતવી જોઈતી હતી, પરંતુ શાન મસૂદની ટીમ તેમ કરી શકી ન હતી. બીજી ટેસ્ટનો પ્રથમ દિવસ વરસાદમાં ધોવાઈ ગયો હતો. આ પછી બીજા દિવસે પાકિસ્તાની બેટ્સમેનો ફ્લૉપ રહ્યા હતા અને ટીમ પ્રથમ દાવમાં 274 રન જ બનાવી શકી હતી.


આ પછી પ્રથમ દાવમાં બાંગ્લાદેશની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. 26ના સ્કૉર પર માત્ર 6 વિકેટ પડી હતી, પરંતુ ટીમે જબરદસ્ત લડત આપી હતી. લિટન દાસે 138 રન બનાવ્યા હતા અને બૉલિંગમાં 5 વિકેટ લેનારો મહેંદી હસન મેરાજે 78 રનની ઇનિંગ રમીને અજાયબી કરી હતી. બાંગ્લાદેશે 26/6થી સ્કોર 262 સુધી પહોંચાડ્યો હતો.


ત્યારબાદ બીજી ઇનિંગમાં પણ પાકિસ્તાનના બેટ્સમેનો ફૂસ્સ થયા હતા. અબ્દુલ્લા શફીક, બાબર આઝમ, શાન મસૂદ અને સઉદ શકીલ તમામ ફ્લોપ રહ્યા હતા અને આખી ટીમ માત્ર 172 રનમાં આઉટ થઈ ગઈ હતી. પ્રથમ દાવમાં 12 રનની લીડના આધારે પાકિસ્તાને બાંગ્લાદેશને 185 રનનો ટાર્ગેટ આપ્યો હતો.


ચોથા દિવસે ઝાકિર હસન અને શાદમાન ઈસ્લામે બાંગ્લાદેશને તોફાની શરૂઆત અપાવી હતી, પરંતુ વરસાદ અને ખરાબ હવામાન બાંગ્લાદેશની જીતમાં અડચણરૂપ બન્યા હતા. હવે પાંચમા દિવસે ઈતિહાસ રચવા માટે બાંગ્લાદેશને વધુ 143 રન બનાવવાના હતા. પિચ બોલરો માટે મદદરૂપ બની હતી, પરંતુ બાંગ્લાદેશે જોરદાર જુસ્સો બતાવ્યો અને લક્ષ્યનો પીછો માત્ર ચાર વિકેટ ગુમાવીને કરી લીધો.


બાંગ્લાદેશ તરફથી બીજી ઇનિંગમાં ઝાકિર હસને 40, શાદમાન ઇસ્લામે 24, કેપ્ટન નઝમુલ હૂસૈન શાંતોએ 38 અને મોમિનુલ હકે 34 રન બનાવ્યા હતા. અંતે શાકિબ અલ હસન 21 રન અને મુશફિકુર રહીમ 22 રન બનાવીને અણનમ રહ્યાં હતા. 


આ પણ વાંચો


Paralympics 2024: ભારતે રચ્યો ઇતિહાસ, એક જ દિવસમાં જીત્યા આઠ મેડલ, બે ગોલ્ડ પણ સામેલ