Mithali Raj Retirement: ભારતની દિગ્ગજ મહિલા ખેલાડી અને વન ડે કેપ્ટન મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. મિતાલી 23 વર્ષ સુધી ભારત માટે ક્રિકેટ રમી હતી અને તેના નામે મહિલા ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે.  મિતાલીએ બુધવારે સોશિયલ મીડિયા પર એક મેસેજ જાહેર કરીને બીસીસીઆઇ અને તમામ ચાહકોનો આભાર માન્યો હતો અને તેમને આ અંગે જાણકારી આપી હતી.


સંન્યાસની જાહેરાત કરતાં શું લખ્યું મિતાલી રાજે


39 વર્ષીય મિતાલી રાજે સંન્યાસની જાહેરાત કરતાં મેસેજમાં લખ્યું,જ્યારે મેં બ્લૂ જર્સી પહેરીને દેશનું પ્રતિનિધિત્વ કર્યું ત્યારે હું એક નાની બાળકી હતી. આ સફર ઘણી લાંબી રહી. જેમાં અનેક ઉતાર ચઢાવ જોવા મળ્યા. 23 વર્ષ મારા જીવનના સૌથી યાદગાર છે. આ સફળ આજે ખતમ થઈ રહી છે, હું ઈન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાં સંન્યાસની જાહેરાત કરું છું.


મિતાલી રાજે મેસેજમાં લખ્યું, મેં જ્યારે પણ મેદાન પર પગ રાખ્યો ત્યારે મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને ટીમને જીતાડવાની કોશિશ કરી. મને લાગે છે કે મારા કરિયરને અલવિદા કહેવાનો આ યોગ્ય સમય છે, ભારતનું ભવિષ્ય યુવા પ્લેયર્સના હાથમાં છે. હું બીસીસીઆઈ, સચિવ જય શાહ અને તમામ અધિકારીઓનો આભાર માનું છું. મારા માટે વર્ષો સુધી ટીમની કેપ્ટનશિપ કરવી ગર્વની વાત છે. આ સફર ભલે ખતમ થઈ રહી હોય પરંતુ કોઈને કોઈ રીતે ક્રિકેટ સાથે જોડાયેલી રહીશ.


મિતાલી રાજની કરિયર


મિતાલી રાજે 12 ટેસ્ટમાં 43.7ની સરેરાશથી 699 રન બનાવ્યા છે. જ્યારે 232 વન ડેમાં 50.7ની સરેરાશથી 7805 રન બનાવ્યા છે. 89 ટી20માં તેણએ 2364 રન બનાવ્યા છે.