Jasprit Bumrah ICC Rankings: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ બુધવારે (1 જાન્યુઆરી) ના રોજ લેટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે. જેમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે નવા વર્ષના પહેલા જ દિવસે ઈતિહાસ રચી દીધો છે. બુમરાહ ICC ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં નંબર-1 પર છે. આ સિવાય તેના રેટિંગ પોઈન્ટ પણ વધીને 907 થઈ ગયા છે.
આ પોતાનામાં એક ઐતિહાસિક રેકોર્ડ છે. બુમરાહ આટલા રેટિંગ પોઈન્ટ મેળવનાર પ્રથમ ભારતીય બોલર બની ગયો છે. તેણે પૂર્વ સ્પિનર રવિચંદ્રન અશ્વિનનો રેકોર્ડ તોડ્યો છે. આ પહેલા અશ્વિને ડિસેમ્બર 2016માં સૌથી વધુ 904 રેટિંગ પોઈન્ટ હાંસલ કર્યા હતા. બુમરાહે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં ધૂમ મચાવી છે, જેના કારણે તેને ICC રેન્કિંગમાં ફાયદો થયો છે.
આ ઉપરાંત 907 રેટિંગ પોઈન્ટ સાથે બુમરાહ ઓલ ટાઈમ લિસ્ટમાં ઈંગ્લેન્ડના સ્પિનર ડેરેક અંડરવુડ સાથે સંયુક્ત 17માં સ્થાને પહોંચી ગયો છે. આ યાદીમાં ઈંગ્લેન્ડના ઝડપી બોલર સિડની બાર્ન્સ (932) અને જ્યોર્જ લોહમેન (931) ટોચ પર છે, જ્યારે ઈમરાન ખાન (922) અને મુથૈયા મુરલીધરન (920) ત્રીજા અને ચોથા સ્થાને છે.
બુમરાહ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે
ભારતીય ટીમ હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે. અહીં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હેઠળ બંને ટીમો વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે, જેમાંથી ચોથી મેચ મેલબોર્નમાં રમાઈ હતી. આ ચોથી મેચમાં ઓસ્ટ્રેલિયાનો 184 રને વિજય થયો હતો. આ રીતે યજમાન ટીમ શ્રેણીમાં 2-1થી આગળ છે. હવે છેલ્લી ટેસ્ટ 3 જાન્યુઆરીથી સિડનીમાં રમાશે.
બુમરાહ અત્યાર સુધી સીરિઝમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે 4 ટેસ્ટની 8 ઇનિંગ્સમાં સૌથી વધુ 30 વિકેટ લીધી છે. તેની એવરેજ પણ 12.83 રહી છે. તેના પછી પેટ કમિન્સ બીજા સ્થાને છે જેણે 20 વિકેટ લીધી હતી. બુમરાહને આ પ્રદર્શનનો મજબૂત ફાયદો મળ્યો છે.
બુમરાહે શ્રેણીની ત્રીજી ગાબા ટેસ્ટમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પ્રથમ દાવમાં 76 રન આપીને 6 વિકેટ લીધી હતી. જ્યારે બુમરાહે ગાબા ટેસ્ટની બીજી ઇનિંગમાં 18 રનમાં 3 વિકેટ લીધી હતી. બુમરાહે શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં 8 અને બીજી ટેસ્ટમાં 4 વિકેટ ઝડપી હતી.
Cricket: 2024 ની સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ઇલેવનનું થયું એલાન, બુમરાહ કેપ્ટન, હેડ અને કમિન્સને ના મળી જગ્યા