નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે યોજનારો વર્લ્ડકપ એક વર્ષ માટે ટળી ગયો છે. વર્લ્ડકપ સ્થગિત થવાની સાથે જ દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર અને બેટ્સમેન ડિવિલિયર્સની વાપસી પર સવાલો ઉઠ્યા છે. કેમકે ક્રિકેટ દક્ષિણ આફ્રિકા અને ડિવિલિયર્સ તરફથી વાપસીને લઇને સંકેત પણ મળી ચૂક્યા હતા. હવે ડિવિલિયર્સની વાપસીને લઇને કેપ્ટન ડી કૉકે મોટુ નિવેદન આપ્યુ છે.


કેપ્ટન ડી કૉકે જણાવ્યુ કે, ડિવિલિયર્સ વર્લ્ડકપમાં વાપસી કરવા ઇચ્છતો હતો. ટી20 વર્લ્ડકપ આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં 18 ઓક્ટોબરથી 15 નવેમ્બરની વચ્ચે રમાવવાનો હતો. દક્ષિણ આફ્રિકાની લિમીટેડ ઓવરોના કેપ્ટન ક્વિન્ટૉન ડી કૉકે જણાવ્યુ કે તે ખેલાડી એબી ડિવિલિયર્સને ટી20 વર્લ્ડકપમાં દરમિયાન ટીમમાં ઇચ્છતો હતો, અને એટલા માટે તેને ટીમમાં સામેલ કરવા પર જોર આપવામાં આવી રહ્યું હતુ.



ડિવિલિયર્સે વર્ષ 2018માં ક્રિકેટને અલવિદા કહી દીધુ હતુ, તે પોતાના દેશ માટે 114 ટેસ્ટ મેચ અને 228 વનડે મેચ રમી ચૂક્યો છે. આ ઉપરાંત તે 78 ટી20 મેચ પણ રમ્યો હતો.

ડી કૉકે કહ્યું કે તે નિશ્ચિત રીતે લાઇનમાં હતો, જો તે ફિટ રહેતો તો હું તેને ટીમમાં જોવા માંગતો હતો. મને લાગે છે કે કોઇપણ ટીમ ડિવિલિયર્સને પોતાની સાથે રાખવા માગશે. અમે તેના માટે જોર લગાવી રહ્યાં હતા હવે જોવાનુ એ છે કે ટી20 વર્લ્ડકપ ક્યારે થાય છે. વર્લ્ડકપ સ્થગિત થવાથી માત્ર ડિવિલિયર્સ જ નહીં પણ કેટલાય દિગ્ગજોની કેરિયર પર સવાલો ઉભા થાય છે.