અમદાવાદઃ ક્રિકેટના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આજે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી-20 શ્રેણી પૈકીની ત્રીજી મેચ રમાઈ હતી. મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ભારતે મેચ જીતવા આપેલ 157 રનના ટાર્ગેટને ઈંગ્લેન્ડે 18.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. જીત સાથે ઈંગ્લેન્ડ 5 મેચની સીરિઝમાં 2-1થી આગળ થઈ ગયું છે. ભારતે સીરિઝ જીવંત રાખવા ચોથી ટી-20 કોઇપણ સંજોગોમાં જીતવી પડશે.


બટલરના વાવાઝોડામાં ઉડ્યા ભારતીય બોલર


ઈંગ્લેન્ડ તરફથી જોસ બટલરે 52 બોલમાં અણનમ 83 રન ફટકાર્યા હતા. તેણે 5 ફોર અને 4 છગ્ગા માર્યા હતા. જ્યારે જોની બેયરસ્ટે 28 બોલમાં 40 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. જેસન રોયે 9 અને ડેવિડ મલાને 18 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી ચહલ અને વોશિંગ્ટન સુંદરને એક એક સફળતા મળી હતી.


કોહલી સિવાય તમામ ફેલ


ભારતે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 156 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી કેપ્ટન કોહલીએ સર્વાધિક અણનમ 77 રન બનાવ્યા હતા. તેણે 8 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. પંતે 20 બોલમાં 25 રનનું યોગદાન આપ્યું હતું.


આ મેચમાં પણ કેએલ રાહુલ શૂન્ય પર આઉટ થતા લોકો ભડક્યા હતા. આ પહેલા સીરીઝની બીજી મેચમાં પણ તે શૂન્ય પર આઉટ થયો હતો. જોકે કેપ્ટન વિરાટ રાહુલના સપોર્ટમાં ઉતર્યો છે. કેપ્ટન કોહલીનું માનવું છે કે, બેટ્સમેન કેએલ રાહુલ ટી20 ક્રિકેટમાં ચેમ્પિયન ખેલાડી છે અને રોહિત શર્મની સાથે ભારતના મુખ્ય બેટ્સમેનમાંથી એક છે. 


વિરાટ કોહલીએ કર્યો કેએલ રાહુલનો સપોર્ટ


કેએલ રાહુલના સપોર્ટ કરવા પર ઉઠી રહેલ સવાલો પર કેપ્ટન વિરાટ કોહલીએ તેનો બચાવ કરતાં કહ્યું કે, “કેટલીક મેચ પહેલા હું ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યો હતો. રાહુલ ચેમ્પિયન ખેલાડી છે. જો તમે વિતેલા 2-3 વર્ષોમાં તેના આંકડા પર નજર કરશો તો કદાચ તે ટી20 મેચમાં અન્ય કોઈપણ ખેલાડીથી સારો ખેલાડી છે અને અમે આગળની મેચમાં પણ તેની પાસે  ઓપનિંગ કરાવીશું. તે રોહિત શર્માની સાથે ઓપનિંગ બેટ્સમેન રહેશે. ટી20 સહજતાની રતમ છે, તમારા બેટથી કેટલાક શારા શોટ નીકળે એટલે બધું નોર્મલ થઈ  જાય છે.”