IND vs SA Final: ટી20 વર્લ્ડકપ 2024ની ફાઇનલ મેચ આજે એટલે કે 29 જૂન શનિવારના રોજ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. આ મેચ વેસ્ટ ઈન્ડિઝના બાર્બાડોસ સ્ટેડિયમમાં રમાશે. આખા વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરીને બંને ટીમો ફાઇનલમાં પહોંચી છે. આ મેચમાં તમામની નજર ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા પર ટકેલી છે. આ ટી20 વર્લ્ડકપમાં રોહિત શર્માએ ના માત્ર સારી કેપ્ટનશીપ બતાવી છે પરંતુ બેટથી પણ કમાલ કર્યો છે. છેલ્લી બે મેચમાં ભારતીય ટીમના કેપ્ટને આક્રમક વલણ બતાવ્યુ છે.
રોહિત શર્મા પર ફાઇનલમાં સંકટ
એકતરફ રોહિત શર્મા આ આખા વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન આપી રહ્યો છે. બીજીતરફ રોહિત શર્માની ફાઈનલ મેચના આંકડા અલગ જ સ્ટૉરી કહી રહ્યા છે, જેને જાણીને રોહિત શર્માના ફેન્સ ચોંકી જશે.
હિટમેને રમી છે પાંચ ફાઇનલ
રોહિત શર્મા તેની ક્રિકેટ કારકિર્દીમાં અત્યાર સુધીમાં પાંચ ICC ફાઈનલ રમી ચૂક્યો છે. પરંતુ આ પાંચ ICC ટૂર્નામેન્ટની ફાઈનલમાં રોહિત શર્માએ એક પણ અડધી સદી ફટકારી નથી અને ટી20 વર્લ્ડકપની ફાઈનલ પહેલા આ આંકડો ડરામણો છે.
રોહિત શર્માએ 2007માં ટી20 વર્લ્ડકપમાં ICC ટૂર્નામેન્ટની પ્રથમ ફાઇનલ મેચ રમી હતી. આમાં પાકિસ્તાન ભારતની સામે હતું. આ મેચમાં રોહિત શર્માએ અણનમ 30 રન બનાવ્યા હતા અને ભારતે મેચ જીતીને ટાઈટલ પોતાના નામે કર્યું હતું.
રોહિત શર્મા 2013માં ચેમ્પિયન્સ ટ્રૉફીની બીજી ફાઈનલ રમ્યો હતો. જેમાં ભારતની સામે વિપક્ષી ટીમ ઈંગ્લેન્ડ હતી. આ મેચમાં ભારતીય ટીમ માટે રોહિત શર્માએ માત્ર 9 રનનું યોગદાન આપ્યું હતું, પરંતુ મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપમાં ભારતે ઈંગ્લેન્ડ સામેની આ મેચ જીતી હતી.
રોહિત શર્મા 2014 ટી20 વર્લ્ડકપની ફાઈનલ મેચ પણ રમી ચૂક્યો છે. આ મેચ શ્રીલંકા સામે રમાઈ હતી. આ મેચમાં રોહિત શર્મા 29 રન બનાવીને આઉટ થયો હતો અને ભારતીય ટીમ ફાઈનલ મેચ હારી ગઈ હતી.
રોહિત શર્માએ 2017માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચમાં પણ મેદાન માર્યું હતું. આ મેચ પાકિસ્તાન સામે રમાઈ હતી, પરંતુ આ મેચમાં રોહિત શર્માનું ખાતું પણ ખૂલ્યું ના હતું અને તે 0 રને આઉટ થયો હતો.
ગયા વર્ષે 2023માં રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ ODI વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી હતી. આ મેચ ઓસ્ટ્રેલિયા સામે હતી. આ મેચમાં કેપ્ટન 47 રન બનાવીને આઉટ થયો હતો અને ભારતીય ટીમ મેચ હારી ગઈ હતી.
સારા ફોર્મમાં છે રોહિત શર્મા
ટી20 વર્લ્ડકપ 2024માં રોહિત શર્મા શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. ભારતીય ટીમના કેપ્ટને છેલ્લી બે મેચમાં બે અડધી સદી ફટકારી છે. હિટમેને સુપર 8માં ઓસ્ટ્રેલિયા સામે 92 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. ઈંગ્લેન્ડ સામે રમાયેલી સેમિફાઈનલ મેચમાં રોહિત શર્માએ 57 રન બનાવ્યા હતા.
ભારતીય ટીમ આ બંને મેચ જીતીને ફાઇનલમાં પહોંચી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન કેટલા રન બનાવે છે તે જોવું રહ્યું. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ ફાઇનલ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે શરૂ થશે.