Champions trophy 2025: આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે પરંતુ હવે આ ટૂર્નામેન્ટની યજમાની પણ તેની પાસેથી છીનવાઈ શકે છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે જો પાકિસ્તાન હાઇબ્રિડ મોડલ માટે સહમત ન થાય તો આ ટૂર્નામેન્ટ દક્ષિણ આફ્રિકામાં યોજવામાં આવી શકે છે. ICC આ અંગે વિચાર કરી રહી છે. નોંધનીય છે કે પાકિસ્તાન ઈચ્છે છે કે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે તેની ધરતી પર આવે પરંતુ બીસીસીઆઈએ તેનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. પાકિસ્તાન મક્કમ છે કે તે હાઇબ્રિડ મોડલને સ્વીકારશે નહીં. આ જ કારણ છે કે આઈસીસી હવે બીજા વિકલ્પ પર વિચારી રહી છે, જે દક્ષિણ આફ્રિકા છે.


ચેમ્પિયન્સ ટ્રોફી 16 વર્ષ પહેલા દક્ષિણ આફ્રિકામાં યોજાઈ હતી


ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન દક્ષિણ આફ્રિકામાં 16 વર્ષ પહેલા 2009માં કરવામાં આવ્યું હતું. તે ટુર્નામેન્ટની વિજેતા ઓસ્ટ્રેલિયા હતી જ્યારે પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની ટીમો સેમિફાઈનલમાં પહોંચી હતી. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી. જેમાં કાંગારૂઓનો વિજય થયો હતો. ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો તે ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ હતી. તે પહેલી જ મેચમાં પાકિસ્તાન સામે હારી ગયું હતું અને તે પછી એક મેચ ડ્રો રહી હતી અને છેલ્લી મેચ જીત્યા બાદ પણ તેને કોઈ ફાયદો થયો નહોતો.


દક્ષિણ આફ્રિકાની ધરતી પર ભારતીય બેટ્સમેન ઘણીવાર સંઘર્ષ કરતા જોવા મળે છે. 2009ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ આવું જ કંઈક થયું હતું. આખી ટૂર્નામેન્ટમાં કેપ્ટન ધોની માત્ર 3 રન જ કરી શક્યો હતો. કાર્તિક અને ગંભીર પણ નિષ્ફળ રહ્યા હતા. તે ટુર્નામેન્ટમાં માત્ર વિરાટ, દ્રવિડ અને ગંભીર અડધી સદી સુધી પહોંચી શક્યા હતા. હવે જો ટૂર્નામેન્ટ ફરી એકવાર દક્ષિણ આફ્રિકામાં યોજાય છે તો ભારતીય બેટ્સમેનોને ચોક્કસપણે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. હવે જોવાનું એ રહે છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો આગામી નિર્ણય શું હોઇ શકે છે. ICCની આ યોજના બાદ શક્ય છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ હાઈબ્રિડ મોડલ સાથે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવા માટે તૈયાર થઈ શકે. કારણ કે જો આખી ચેમ્પિયન્સ ટ્રોફી સાઉથ આફ્રિકામાં શિફ્ટ કરવામાં આવે તો પીસીબીને કરોડો રૂપિયાનો ફટકો પડી શકે છે.


Border Gavaskar Trophy: ભારતના આ ખેલાડીથી ઓસ્ટ્રેલીયા કેમ ડરે છે? ત્રણ વર્ષ પહેલાની તે ભયાનક ક્ષણ ભુલાવી નથી શકી કાંગારું ટીમ