India Champions Trophy 2025 in Pakistan: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ થોડા અઠવાડિયા પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા મોકલવામાં આવેલા ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના શિડ્યૂલને લીલી ઝંડી આપી દીધી હતી. પાકિસ્તાન આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરશે, પરંતુ ભારત સરકારે ટીમ ઈન્ડિયાને સરહદ પાર મોકલવા અંગે હજુ સુધી પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી. પરંતુ હવે એક મીડિયા રિપોર્ટમાં સામે આવ્યું છે કે જો ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય તો તેની મેચો શ્રીલંકામાં રમાઇ શકે છે.


ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવા અંગે BCCI કે ભારત સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. પરંતુ આ વર્ષે મે મહિનામાં બીબીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું હતું કે ટીમ પાકિસ્તાન જવાનો નિર્ણય માત્ર ભારત સરકારના હાથમાં છે. દરમિયાન એવા સમાચાર છે કે જો ભારત પાકિસ્તાન ન જવાનો નિર્ણય કરશે તો તેની ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો શ્રીલંકામાં યોજાશે.


ICC શિડ્યૂલ મુજબ ભારતની મેચો ક્યાં યોજાશે?


ICC શિડ્યૂલ અનુસાર, ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ગ્રુપ Aમાં સામેલ કરવામાં આવ્યું છે, જેમાં યજમાન પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ પણ સામેલ છે. તે શિડ્યૂલ અનુસાર ટીમ ઈન્ડિયાની તમામ મેચ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાવાની છે.


પાકિસ્તાન જવાને લઈને અગાઉ પણ વિવાદ થયો હતો


આ પહેલા પાકિસ્તાને 2023 એશિયા કપની પણ યજમાની કરી હતી, પરંતુ ટીમ ઈન્ડિયાએ સરહદ પાર કરવાનો ઈન્કાર કરી દીધો હતો. આવી સ્થિતિમાં ICCએ હાઇબ્રિડ મોડલ રજૂ કર્યું હતું જેના હેઠળ ભારતીય ટીમની તમામ મેચો શ્રીલંકામાં યોજાઈ હતી. આ કારણોસર પાકિસ્તાનને એશિયા કપ 2023ની સેમિફાઇનલ અને ફાઇનલ મેચોની યજમાની ગુમાવવી પડી હતી.


ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન મુજબ આઈસીસીએ બીસીસીઆઈ સાથે ચેમ્પિયન્સ ટ્રોફી અંગે ચર્ચા કરી હતી. પરંતુ બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવાની ના પાડી દીધી હતી. ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો કરાચી અને દુબઈમાં વધુ રમાઈ શકે છે. તેમાં કેટલીક મેચો લાહોર અને રાવલપિંડીમાં પણ યોજાઈ શકે છે. પરંતુ ભારતીય ટીમની બધી મેચો દુબઈમાં રમાઈ શકે છે. આ પહેલાં ટીમ ઈન્ડિયા એશિયા કપ માટે પણ પાકિસ્તાન ગઈ નહોતી. ભારતીય ટીમે પોતાની બધી મેચો શ્રીલંકામાં રમી હતી.