ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની આગામી સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ને રોકવી મુશ્કેલ બનશે. IPL 2023માં દસ ટીમો ભાગ લઈ રહી છે, પરંતુ ચાહકોનું ચેન્નઈ સુપર કિંગ્સ સાથે ભાવનાત્મક બંધન છે અને તેનું સૌથી મહત્ત્વનું કારણ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છે.






41 વર્ષીય એમએસ ધોનીએ તેની કેપ્ટનશીપ હેઠળ CSKને ચાર ટાઇટલ અપાવ્યા છે. નવ વખત ટીમને ફાઇનલમાં લઇ ગયો છે.તેની માત્ર હાજરી વિરોધી ટીમને ડરાવવા માટે પૂરતી છે. એક પ્રોફેશનલ ક્રિકેટર તરીકે એમએસ ધોનીની આ છેલ્લી સીઝન હોઈ શકે છે અને તે તેને યાદગાર બનાવવા માટે કોઈ કસર છોડવા માંગશે નહીં.


આઈપીએલ હવે 'હોમ એન્ડ અવે' ફોર્મેટમાં પાછી આવી છે અને ચેન્નઈને તેના ગઢ ચેપોક ખાતે સાત મેચ રમવાની છે. ગત સીઝનમાં પ્લેઓફમાં પહોંચવામાં નિષ્ફળ ગયેલી ચેન્નઈની ટીમની કપ્તાની રવિન્દ્ર જાડેજાને સોંપવામાં આવી હતી, પરંતુ બાદમાં ધોનીને ફરીથી કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આઈપીએલમાં આ વખતે કોઈપણ ટીમ ચેન્નાઈને હળવાશથી લેવા માંગતી નથી અને આ સાઝન પણ તેનાથી અલગ નથી. ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ હવે ટીમમાં છે જે એક્સ ફેક્ટર સાબિત થઈ શકે છે.


તાકાત


બેન સ્ટોક્સની હાજરી ચેન્નઈની ક્રોસ હિટિંગને મજબૂત બનાવશે. ચેપોકની ધીમી પીચ પર તે એક કે બે શાનદાર ઓવરોમાં મેચની બાજી પલટી શકે છે.  ચેપોક ખાતેની સાત ઘરઆંગણાની મેચોમાં રવિન્દ્ર જાડેજા અને મોઈન અલી પણ ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે.ડેવોન કોનવે અને ઋતુરાજ ગાયકવાડ બેટિંગમાં ઉપયોગી થશે જ્યારે અંબાતી રાયડુ, સ્ટોક્સ, ધોની અને જાડેજા મિડલ ઓર્ડરને મજબૂત બનાવશે.


નબળાઈ


મુકેશ ચૌધરી ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ શકે છે જે CSK માટે મોટો ફટકો હશે. દીપક ચહર લાંબા સમય બાદ કમર અને હેમસ્ટ્રિંગની ઈજામાંથી સ્વસ્થ થઈને વાપસી કરી રહ્યો છે. મેચની પરિસ્થિતિઓમાં તેની ફિટનેસની ચકાસણી થઈ શકી નથી. તે વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મેળવવાનો દાવેદાર છે અને આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરવા ઈચ્છે છે.


તક


ઝડપી બોલિંગમાં યુવા સિમરજીત સિંઘ અને લસિથ મલિંગા જેવી એક્શન ધરાવતો મથિશા પથિરાનાને તેની યોગ્યતા સાબિત કરવાની તક મળશે. ધોની 'ઈમ્પેક્ટ પ્લેયર'ના નિયમનો સારી રીતે ઉપયોગ કેવી રીતે કરવો તે જોવાનું રહેશે


ખતરો


CSK સામે સૌથી મોટો પડકાર તેના ખેલાડીઓની વૃદ્ધાવસ્થા છે. રાયડુ અને અજિંક્ય રહાણે હાઈ સ્કોરિંગ મેચોમાં દબાણમાં આવી શકે છે. આ સિવાય ટીમ પાસે સારા ભારતીય સ્પિનરો પણ નથી. રવિન્દ્ર જાડેજા તાજેતરમાં ટી-20માં તેટલું સારું પ્રદર્શન કરી શક્યો નથી.