T20 World Cup: ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી20 વર્લ્ડ કપ શરૂ થવામાં 20 દિવસથી ઓછા સમય બાકી છે. પરંતુ સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ઈજાએ ટીમ ઈન્ડિયાની ચિંતા વધારી દીધી છે. જોકે, બુમરાહ વર્લ્ડ કપ સુધી ફિટ ન થાય તો કોચ રાહુલ દ્રવિડે બેકઅપ પ્લાન તૈયાર કર્યો છે. T20 વર્લ્ડ કપ માટે ત્રણ ફાસ્ટ બોલર કુલદીપ સેન, ચેતન સાકરિયા અને મુકેશ ચૌધરી રિઝર્વ પ્લેયર તરીકે ટીમ ઈન્ડિયા સાથે ઓસ્ટ્રેલિયા જઈ શકે છે.


સાઉથ આફ્રિકા સામેની ટી20 સીરીઝ પૂરી થયા બાદ ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. ભારતે તેના રિઝર્વ ખેલાડીઓમાં દીપક ચહર, શ્રેયસ અય્યરને સ્થાન આપ્યું હતું. પરંતુ આ બંને ખેલાડીઓને દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણી માટે પણ પસંદ કરવામાં આવ્યા છે. મતલબ કે આ બંને ખેલાડીઓ બાદમાં ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે.


જે 15 ખેલાડીઓને વર્લ્ડ કપ માટે ટીમમાં સ્થાન મળ્યું છે, તે 15 ખેલાડીઓ 6 ઓક્ટોબરે જ ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. આ સિવાય મોહમ્મદ શમી અને ઉમરાન મલિકને પણ ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવી રહ્યા છે.


હેડ કોચ દ્રવિડે ખાસ પ્લાન બનાવ્યો


ઈનસાઈડ સ્પોર્ટના રિપોર્ટ અનુસાર કોચ રાહુલ દ્રવિડે પણ ટ્રેનિંગ સેશનને લઈને ખાસ પ્લાન બનાવ્યો છે. ચેતન અને મુકેશ લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર છે અને આ બંને ટ્રેનિંગ સેશનમાં ટીમ ઈન્ડિયાનો મહત્વનો હિસ્સો હશે. આ સિવાય સ્થાનિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર કુલદીપ સેનને પણ 6 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવશે.


આ સિવાય ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ હજુ પણ જસપ્રીત બુમરાહની ઈજા અંગે રાહ જુઓની સ્થિતિમાં છે. બોર્ડને આશા છે કે બુમરાહ ફિટ થઈ જશે. જો બુમરાહ રમવા માટે ફિટ ના થાય તો તેની જગ્યાએ મોહમ્મદ શમી 15 સભ્યોની ટીમમાં સામેલ થઈ શકે છે. શમી ઉપરાંત મોહમ્મદ સિરાજ પણ બુમરાહની જગ્યા લેવાની રેસમાં છે. 16 ઓક્ટોબર સુધીમાં બીસીસીઆઈ આ અંગે અંતિમ નિર્ણય લઈ શકે છે.