નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનમાં એકપણ મેચમાં નહીં દેખાયેલા ક્રિસ ગેલને અત્યારે ફૂડ પૉઇઝનિંગ થયુ છે. રિપોર્ટ છે કે, આઇપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબની ટીમમાંથી રમી રહેલા તોફાની બેટ્સમેન ક્રિસ ગેલને ફૂડ પૉઇઝનિંગ થયુ છે, અને તે હાલ હૉસ્પીટલમાં દાખલ છે, તેની એક તસવીર પણ હાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝન કિંગ્સ ઇલેવન પંજાબ માટે ખરાબ સાબિત થઇ રહી છે. ટીમે અત્યાર સુધી 7માંથી 6 મેચ ગુમાવી ચૂકી છે. પૉઇન્ટ ટેબલમાં હાલ પંજાબની ટીમ સૌથી તળીયે છે. આવા સમયે ગેલને લઇને આવેલા સમાચાર ટીમ માટે દુઃખ છે. અગાઉ ટીમના કૉચ અનિલ કુંબલેએ પણ ગેલને ટીમમાં મોકો ના આપવા પાછળનુ કારણ ગેલની તબિયતનુ ગણાવ્યુ હતુ.



જોકે, ગેલે કહ્યું છે કે, હું તમને એ વાત કહેવુ માગુ છુ કે હુ લડાઇ લડ્યા વિના નહીં હટુ, હું યુનિવર્સ બૉસ છુ. આ કોઇ દિવસ નહીં બદલાય. તમે મારાથી શીખી શકો છો, પરંતુ તમે એ નથી કે મારી દરેક વાતને ફોલો કરો. પોતાની સ્ટાઇલ ના ભૂલો.

કિંગ્સ ઇલેવન પંજાબ કોલકત્તા નાઇટ રાઇડર્સ સામે માત્ર બે રનથી અને આ પહેલા ગુરુવારે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ રમાયેલી મેચને 69 રનોથી હારી ચૂકી છે.

આ અંગે અગાઉ કૉચ અનિલ કુંબલેએ કહ્યું હતુ કે, ક્રિસ ગેલની તબિયત અત્યારે સારી નથી, ફૂડ પૉઇઝનિંગ અને પેટમાં દુઃખાવો થઇ રહ્યો હોવાના કારણે ગેલની તબિયત ખરાબ છે. આ કારણે તેને ટીમમાં મોકો નથી મળ્યો. ઉલ્લેખનીય છે કે, આઇપીએલ 13માં ક્રિસ ગેલને હજુ સુધી એકપણ મેચ રમવાનો મોકો નથી મળ્યો.એક્સપર્ટ્સનુ માનવુ છે કે ક્રિસ ગેલનો અનુભવ ટીમને કામ આવી શકે છે, અને ટીમ પોતાની જુની લય હાંસલ કરી શકે છે.