નવી દિલ્હીઃ કોરોના વાયરસનો ખતરો ચીનમાંથી બહાર આવીને હવે દુનિયાભરના દેશોમાં ફેલાવવા લાગ્યો છે. દરેક દેશે પોતાના નાગરિકોની સલામતી માટે અવનવા નિયમો અને ગાઇડલાઇન્સ બહાર પાડી દીધી છે. હવે લિસ્ટમાં ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ પણ સામેલ થઇ ગઇ છે.


કોરોના વાયરસથી બચવા માટે ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમે એક મોટો નિર્ણય લીધો છે. તે અનુસાર, હવે ઇંગ્લિશ ક્રિકેટરો શ્રીલંકા સામેની બે ટેસ્ટ મેચોની સીરીઝ દરમિયાન મેદાન પર કોઇને પણ હાથ નહીં મિલાવે. બોર્ડના આ નિર્ણયના કારણે 7થી 9 માર્ચ સુધી રમાનારી ત્રણ દિવસીય અભ્યાસ મેચમાં પણ ઇંગ્લેન્ડના ખેલાડીઓ શ્રીલંકા બોર્ડ પ્રેસિડેન્ટના ખેલાડીઓને હાથ નહીં મિલાવે. આના પાછળનુ કારણ શ્રીલંકામાં કોરોના વાયરસથી હાજરી માનવામાં આવે છે.



કોરોના વાયરસને લઇને ઇંગ્લિશ ટીમના કેપ્ટન જો રુટે કહ્યું કે, તેમના ખેલાડીઓ કોરોનાથી બચવા માટે શ્રીલંકા પ્રવાસ દરમિયાન મેદાન પર શ્રીલંકાના કોઇપણ ખેલાડી સાથે હાથ નહીં મિલાવે.

કેપ્ટન રૂટે કહ્યું કે, હાથ નહીં મિલાવીએ પણ શ્રીલંકાના ખેલાડીનુ અભિવાન અમે બંધ મુઠ્ઠી ટકરાવીને કરીશું.

ખાસ વાત છે કે, ચીનથી ફેલાવવાના શરૂ થયેલા કોરોના વાયરસે દુનિયાભરમાં આતંક મચાવી દીધો છે. હાલ કોરોના વાયરસની ઝપેટમાં લગભગ દુનિયાભરના 90 હજારથી વધુ લોકો આવી ચૂક્યા છે, વળી 3 હજારથી વધુ લોકો મૃત્યુ પણ પામ્યા છે.