સિડનીઃ કોરોના  વાયરસના કારણે ક્રિકેટ પર લાગેલો બ્રેક ખતમ થઈ ગયો છે. ખેલાડીઓ પર મુકવામાં આવેલા અનેક પ્રતિબંધોના કારણે  તેમના માટે કોરોના કાળમાં રમવું એકદમ સરળ નથી. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના નિયમો અને પ્રોટોકોલના હિસાબે ખેલાડીઓને બાયો સિક્યોર વાતાવરણમાં રાખવામાં આવે છે અને તેમનીબાર નીકળવા કે કોઈને મળવા પર પ્રતિબંધ છે. ખેલાડી તેમના પરિવારને પણ ટૂર પર નથી લઈ જઈ શકતા. આ પ્રતિબંધોને જોતાં ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન વોર્નરને લાગે છે કે આ પરિસ્થિતિમાં ખેલાડી પરિવારથી દૂર રહેવાના બદલે સંન્યાસ લઈ લેશે.


33 વર્ષીય વોર્નેર ક્રિકેટ વેબસાઇટ ઈએસપીએનક્રિકઈન્ફો સાથેની વાતચીતમાં જણાવ્યું, મારી ત્રણ દીકરીઓ અને પત્ની મારી કરિયરનો મહત્વનો હિસ્સો છે. તમારે સૌથી પહેલા પોતાના પરિવાર વિશે વિચારવાનું હોય છે. જ્યારે વિકટ પરિસ્થિત હોય ત્યારે ગંભીર ફેંસલા લેવાના હોય છે. આ વખતે ટી-20 વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયામાં નથી રમાઈ રહ્યો. આ ટુર્નામેન્ટમાં દેશ માટે રમવું અને ખિતાબ જીતવો એક સપનું હતું. પરંતુ હવે તેને સ્થગિત કરી દેવામાં આવ્યો છે. ભારતમાં ટી-20 વર્લ્ડકપ રમાશે તો મારે ફરીથી વિચારવું પડશે.

વોર્નરે આગળ કહ્યું, મારે દરેક પોઇન્ટથી વિચારવું પડશે. મારી દીકરીઓ સ્કૂલે જઈ રહી છે. પત્ની ઠીક છે કે નહીં જેવી બાબતો અંગે ગંભીરતાથી વિચારવું પડશે. તેમાંથી ઘણા મારા ફેંસલાનો હિસ્સો છે. જ્યારે તમે વિદેશ જાવ છો ત્યારે પરિવારની ખૂબ યાદ આવે છે. આ પરિસ્થિતિમાં અમને પરિવારને સાથે લઈ જવાની છૂટ મળવાની નથી અને ભવિષ્ય ખૂબ ડરામણું થવાનું છે.

તેણે કહ્યું, મારો પરિવારા મારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. પરિવારને ધ્યાનમાં રાખીને જ ભવિષ્યનો ફેંસલો કરીશ.