મુંબઇઃ ચીન બાદ આખી દુનિયામાં કહેર વર્તાવી રહેલો કોરોના વાયરસના 60 દર્દીઓ ભારતમાં મળ્યા છે. આ જીવલેણ વાયરસની અસર અનેક સ્પોર્ટ્સ ટુનામેન્ટ પર પણ પડી શકે છે. દેશની સૌથી મોટી ક્રિકેટ ટી-20 લીગ આઇપીએલની મુંબઇમાં યોજાનારી મેચ પર ખતરો મંડરાઇ રહ્યો છે. બીસીસીઆઇ ભલે પોતાની આ પ્રતિષ્ઠિત ટી-20 લીગ ટુનામેન્ટ કાર્યક્રમ ટાળવાના મૂડમાં નથી પરંતુ રાજ્ય સરકારો તેને ટાળવાને  લઇને ગંભીરતાથી વિચાર કરી રહી છે.


મહારાષ્ટ્ર સરકારે આજે પોતાની કેબિનેટ બેઠકમાં આઇપીએલની મેચને પોતાના રાજ્યમાં સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. આ વર્ષે 29 માર્ચે આઇપીએલની શરૂઆત મુંબઇના વાનખેડે સ્ટેડિયમથી થવાની છે.

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના પાંચ કેસ સામે આવ્યા બાદ સરકારે આ લીગનું આયોજન પર વિચાર કરવાનો નિર્ણય લીધો છે. આજે યોજાનારી કેબિનેટ બેઠકમાં રાજ્યમાં શેડ્યૂલ આઇપીએલ મેચોને સ્થગિત કરવા પર ચર્ચા કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં આઇપીએલની મુખ્ય ફ્રેન્ચાઇઝી મુંબઇ ઇન્ડિયન્સની સાત મેચ મુંબઇમાં રમાનારી હતી. તે સિવાય ટુનામેન્ટની ફાઇનલ મેચ પણ મુંબઇમાં રમાવાની છે.