ટી20 વર્લ્ડકપમાં વિજય મેળવનાર ઓસ્ટ્રેલિયા ટીમને આઈસીસીએ 7 કરોડ 40 લાખ રૂપિયા ઈનામના રૂપમાં આપ્યા હતાં. જોકે ફાઈનલમાં પરાજય ટીમ ઈન્ડિયાને તેના અડધા રૂપિયા આપવામાં આવ્યા છે. આ પહેલા વર્ષ 2018માં રમાયેલી વર્લ્ડકપની તુલનામાં આ વખતે 5 ગણી રકમ વધારે આપવામાં આવી છે. જ્યારે આ વખતે ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય મહિલા ટીમને 85 રનથી પરાજય આપીને પાંચમીવાર ખિતાબ પોતાના નામે કર્યો હતો. ટીમ ઈન્ડિયા પહેલીવાર આ ટૂર્નામેન્ટની ફાઈનલમાં પહોંચી હતી અને તેને હારનો સામનો કરવો પડ્યો હતો.


6 મેચ રમનાર ઓસ્ટ્રેલિયાની ટીમને 7 કરોડ 40 લાખ રૂપિયા મળ્યાં છે. તો એનો મતલબ એવો થયો કે, એક મેચ રમવા માટે 1 કરોડ 23 લાખ રૂપિયાથી વધારે રમક મળી છે. ભારતીય ટીમે આ ટૂર્નામેન્ટમાં 5 મેચ રમી હતી કારણ કે ઈંગ્લેન્ડની વિરૂદ્ધ તેની સેમીફાઈનલ મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ હતી અને ટીમ સીધી ફાઈનલમાં પહોંચી ગઈ હતી. ભારતનો પરાજય થયો છતાં પણ 3 કરોડ 70 લાખ રૂપિયા મળ્યાં છે. આ રકમ પ્રમાણે, ટીમ ઈન્ડિયાને એક મેચ માટે 74 લાખ રૂપિયા મળ્યાં છે.

પોતાની પહેલી લીગ મેચમાં ભારતને પરાજય આપનાર ઓસ્ટ્રેલિયન ટીમે બતાવ્યું કે, તે ચાર વાર ચેમ્પિયન કેમ છે. કાંગારૂ ટીમે મેચની શરૂઆતથી જ ઝડપી રન બનાવવાનું શરૂ કરી દીધું હતું અને ભારતને બેકફુટ પર મોકલી દીધું હતું. ત્યાર બાદ ભારત મેચમાં વાપસી કરી શક્યું જ નહીં અને 85 રનના મોટા અંતરથી આ મેચમાં પરાજય થયો હતો.