રોહિત શર્મા આ વન-ડે સીરિઝમાં ન હોવાના કારણે વિરાટ કોહલી પર વધારાની જવાબદારી રહેશે જે ન્યૂઝિલેન્ડ પ્રવાસ પર નિષ્ફળ રહ્યો હતો અને કોહલીની નિષ્ફળતાના કારણે જ ટીમ ઇન્ડિયા ન્યૂઝિલેન્ડમાં વન-ડે અને ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
લોકેશ રાહુલ અને શ્રેયસ ઐય્યર શાનદાર ફોર્મમાં છે. તેમના માટે આ સીરિઝ મહત્વપૂર્ણ રહેશે. રોહિતની ગેરહાજરીમાં પૃથ્વી શો અને શુભમન ગિલમાંથી કોઇ એકને શિખર ધવન સાથે ઇનિંગની શરૂઆત કરવાની તક મળશે. ધવન પણ ટી-20 વર્લ્ડકપ અગાઉ શાનદાર પ્રદર્શન કરી ટીમમાં પોતાનું સ્થાન મજબૂત કરવા માંગશે.
હાર્દિક પંડ્યા અને ભુવનેશ્વર કુમાર લાંબા સમય બાદ ટીમમાં વાપસી કરશે. બીજી તરફ સાઉથ આફ્રિકાની ટીમ ઓસ્ટ્રેલિયાને ક્લીન સ્વિપ કરી ઉત્સાહિત જોવા મળી રહી છે. ટીમ પાસે જાનેમન મલાન, હેનરિક ક્લાસેન અને જોન જોન સ્મટસના રૂપમાં એવા બેટ્સમેન છે જે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મોટા સ્કોર કરી ચૂક્યા છે. બોલિંગમાં કગિસો રબાડાની ખોટ વર્તાશે. ટીમમાં લુંગી એનગિડી અને એનરિક નોર્જે પર નિર્ભર રહેશે. ભારતે ધર્મશાળામાં અત્યાર સુધી ચાર વન-ડે મેચ રમી છે જેમાંથી બે મેચ જીતી છે અને બે હાર્યા છે.