નવી દિલ્હીઃ કોરોના વાયરસ સામેની લડાઇમાં ભારતીય ટીમનો સ્ટાર ક્રિકેટર અને યુવા લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલે એક ખાસ રીત અપનાવી છે. યુજવેન્દ્ર ચહલે ક્રિકટના બદલે હવે ચેસ રમીને કોરોના માટે ફંડ એકઠુ કરવાનુ નક્કી કર્યુ છે.

આ ફંડ એકઠુ કરવા માટે ભારતીય ક્રિકેટર યુજવેન્દ્ર ચહલની સાથે દિગ્ગજ શતરંજ ખેલાડી વિશ્વનાથન આનંદ પણ જોડાશે. ચહલ અને આનંદ ઓનલાઇન શતરંજ રમીને પૈસા ભેગા કરશે, જે કૉવિડ-19 વિરુદ્ધ પીએમ કેયર્સ ફંડમાં દાન આપવામાં આવશે.

ચહલ અને આનંદની સાથે સાથે આ અભિયાનમાં વિદિત ગુજરાતી અને તાનિયા સચદેવ પણ ભાગ લેશે.



ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયાનો લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ ચેસમાં સનેશનલ લેવલનો ખેલાડી રહી ચૂક્યો છે. ચહલે ક્રિકેટ માટે ચેસને અલવિદા કહી દીધુ હતુ, જોકે, મોકો મળે છે ત્યારે તે શતરંજ પર હાથ જરૂર અજમાવી લે છે.

શતરંજ માટે ફંડ એકઠુ કરવા માટે ઓનલાઇન અભિયાન 25 એપ્રિલથી શરૂ થશે. આ અભિયાનમાં બીજા ક્ષેત્રોના લોકો પણ ભાગ લઇ શકશે. કૉમેડિયન તન્મય ભટ્ટ પણ ચેસ મારફતે ફંડ એકઠુ કરવા યોગદાન આપશે. જોકે, દિલચસ્પ એ રહેશે કે આનંદ અને ચહલની ટક્કરમાં કોન બાજી મારશે.