સિડનીઃ કોરોના વાયરસના કારણે આશરે બે મહિનાથી ક્રિકેટ વિશ્વ થંભી ગયુ છે. ક્રિકેટ સીરિઝ રદ્દ થવાથી ક્રિકેટ બોર્ડે ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ દેશમાં રમતની ગાડી પાટા પર લાવવાની કોશિશ શરૂ કરી છે. ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર્સ ચાલુ મહિનાના અંતથી નવા નિયમો અંતર્ગત ટ્રેનિંગ શરૂ કરશે.


મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ક્રિકેટ ઓસ્ટ્રિલિયા ફરીથી ટ્રેનિંગ શરૂ કરવાની તૈયારી કરી ચુક્યુ છે. ટ્રેનિંગ માટે મેપ બનાવવા માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ચીફ મેડિકલ ઓફિસર ડોક્ટર જૉન અને સ્પોર્ટ્સ સાયંસના ચીફ એલેક્સની મદદ લીધી છે. આ બંને આઈસીસી તથા બીજા દેશોને ફરીથી ટ્રેનિંગ શરૂ કરવામાં મદદ કરી રહ્યા છે. ટ્રેનિંગ સેશન દરમિયાન ખેલાડીઓને બોલ પર લાળનો ઉપયોગ નહીં કરવા દેવામાં આવે. કોરોના વાયરસના કારણે ખેલાડીઓની ટ્રેનિંગ પદ્ધતિ પૂરી રીતે બદલાઈ જશે.


ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સ્પોર્ટ્સ સાયન્સ હેડ એલેક્સ કાઉન્ટોરિયસના જણાવ્યા પ્રમાણે, ક્રિકેટની ફરીથી પ્રેક્ટિસ શરૂ કરતી વખતે ખેલાડીએ વધારે પરેશાનીનો સામનો નહીં કરવો પડે. નેટ પ્રેક્ટિસ કરતી વખતે નેટ પર બે થી ત્રણ બોલર હોય છે, જેમાંથી એક જ બોલર બોલિંગ કરતો હોય છે, તેથી આ કોઈ મોટી સમસ્યા નથી.

એલેક્સે કહ્યું, ક્રિકેટ ફરીથી શરૂ થવા પર ખેલાડી વિકેટ પડવા પર કે જીત હાંસલ થવા પર પહેલાની જેમ જશ્ન નહીં મનાવી શકે. ક્રિકેટને ફરી શરૂ કરતી વખતે તેમાં સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવું જરૂરી હશે.