નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઇઝી સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે તેની ઓલટાઇમ આઈપીએલ ઈલેવનની પસંદગી કરી છે. તેણે ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીને સામેલ કર્યા છે. જોકે ચોંકાવનારી વાત છે કે વોર્નર ટીમમાં આઈપીએલના સૌથી સફળ બોલર લસિથ મલિંગાને સામેલ કર્યો નથી. ઉપરાંત શેન વોટ્સન જેવા દિગ્ગજ ખેલાડીને પણ સ્થાન નથી આપ્યું.

ક્રિકબઝ માટે હર્ષા ભોગલે સાથે ઈન્ટરવ્યૂમાં વોર્નરે તેની ટીમની પસંદગી કરી હતી. તેણે ખુદને અને રોહિત શર્માને ઓપનિંગ બેટ્સમેન તરીકે રાખ્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીને નંબર 3 અને ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેન સુરેશ રૈનાને 4 નંબર પર રાખ્યો છે.

પાંચમાં અને છઠ્ઠા નંબર પર વોર્નરે બે દિગ્ગજ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને ગ્લેન મેક્સવેલને તેની ટીમમાં સ્થાન આપ્યું છે. એમ એસ ધોની વોર્નરની ટીમમાં વિકેટકિપર બેટ્સમેન હશે.


બોલર્સમાં મિચેલ સ્ટાર્ક, જસપ્રીત બુમરાહ અને આશીષ નેહરાને ટીમમાં સામેલ કર્યા છે. સ્પિન બોલર તરીકે યુઝવેંદ્ર ચહલ અને કુલદીપ યાદવમાંથી કોઈ એકની પસંદગી નહોતો કરી શક્યો. વોર્નરની ટીમમાં એબી ડીવિલિયર્સ અને ક્રિસ ગેલ જેવા દિગ્ગજ ખેલાડીને સ્થાન મળ્યું નથી.

વોર્નરની ઓલટાઈમ IPL ઈલેવન
રોહિત શર્મા, ડેવિડ વોર્નર, વિરાટ કોહલી, સુરેશ રૈના, ગ્લેન મેક્સવેલ, હાર્દિક પંડ્યા, એમએસ ધોની (વિકેટકિપર), મિચેલ સ્ટાર્ક, જસપ્રીત બુમરાહ, આશીષ નેહરા, કુલદીપ યાદવ/યુઝવેંદ્ર ચહલ

થોડા સમય પહેલા વોર્નરે વિરાટ કોહલીને લઈ પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેણે કહ્યું કે, અમે બંને જ્યારે અમારા દેશ માટે રમવા જઈએ ત્યારે પેશનથી ભરપૂર હોઈએ છીએ. અમે લોકોને ખોટા સાબિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ.