DRS in Ranji Trophy 2022: શું વિશ્વના સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડ 'BCCI' પાસે સ્થાનિક ટૂર્નામેન્ટમાં DRS સિસ્ટમ લગાવવા માટે પૈસા નથી? કે પછી પૈસા બચાવવા માટે રણજી ટ્રોફી જેવી મોટી ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં પણ ડીઆરએસ લાગુ કરવામાં નથી આવતો? આ એવા કેટલાક પ્રશ્નો છે જે હાલમાં સોશિયલ મીડિયા પર પુછાઈ રહ્યા છે. રણજી ટ્રોફીની આ આખી સિઝનમાં જ્યારે પણ ક્રિકેટ ચાહકોને અમ્પાયરોના નિર્ણય પર શંકા થઈ છે ત્યારે-ત્યારે સોશિયલ મીડિયા પર આવી પોસ્ટ આવતી રહે છે. ત્યારે હાલમાં જ સ્પષ્ટ રીતે આઉટ હોવા છતાં સરફરાઝ ખાનને નોટઆઉટ આપ્યા બાદ ફરીથી હંગામો થયો છે.


રણજી ટ્રોફીની ફાઇનલ મેચના પહેલા દિવસે સરફરાઝ ખાન સામે LBWની જોરદાર અપીલ કરવામાં આવી હતી. મધ્યપ્રદેશના ફાસ્ટ બોલર ગૌરવ યાદવને વિશ્વાસ હતો કે સરફરાઝ આઉટ છે પરંતુ અમ્પાયરે તેને નોટઆઉટ આપ્યો હતો. અહીં ડીઆરએસ નહોતું એટલે રિવ્યુ લેવાનો સવાલ જ નહોતો. જેનું પરિણામ એ આવ્યું કે સરફરાઝ ક્રિઝ પર જ રહ્યો. બાદમાં તેણે સદી ફટકારીને મુંબઈને 350ની પાર પહોંચાડી દીધું હતું. જો આ વિકેટ મળી હોત તો મેચની સ્થિતિ બદલાઈ શકી હોત.


સોશિયલ મીડિયા પર થઈ ટીકાઃ
રણજી ટ્રોફીની ફાઇનલમાં આ મોટી ચૂક થયા બાદ સ્થાનિક ટૂર્નામેન્ટમાં DRS સિસ્ટમ લાગુ ન કરવા બદલ સોશિયલ મીડિયા પર BCCIની ઘણી ટીકા થઈ રહી છે. ક્રિકેટ ચાહકો સ્પષ્ટ રીતે લખી રહ્યા છે કે, શું BCCIએ પૈસા બચાવવા માટે રણજી ટ્રોફીમાં DRS સિસ્ટમ નથી લગાવી.






TOIના એક રિપોર્ટમાં સૂત્રો દ્વારા કહેવામાં આવ્યું છે કે, 'ડીઆરએસમાં ઉપયોગમાં લેવાતા તમામ ઉપકરણોનું વાયરિંગ અને ડિરિગિંગ ખૂબ ખર્ચાળ છે. હોક આઈ એટલે કે ઘણા વધુ કેમેરાની જરૂર પડતી હોય છે. રણજી મેચો ખૂબ જ મર્યાદિત સાધનો સાથે રમાય છે અને પછી અડધા અને અધૂરા સાથે સાથે DRSનો કોઈ મતલબ રહેતો નથી. ત્યારે હાલ તો BCCI એમ્પાયર ઉપર પુરો ભરોસો રાખતું હોય તેવું લાગી રહ્યું છે.