AB de Villiers On Virat Kohli: ક્રિકેટની દુનિયામાં અત્યારે સૌથી ઉપર વિરાટ કોહલીનું નામ છે, દુનિયાભરમાં વિરાટ કોહલીના લાખો નહીં પરંતુ કરોડોમાં ફેન્સ છે. પરંતુ હવે આ ફેન્સ માટે એક ખાસ સમાચાર સામે આવ્યા છે. વિરાટ કોહલીના છેલ્લા કેટલાય સમયથી ઉતાર-ચઢાવ વાળી કેરિયર પર તેના મિત્રએ મોટુ અપડેટ આપ્યુ છે, આ અપડેટ તેના સંન્સાય સાથે પણ જોડવામાં આવી રહ્યું છે. 


તાજેતરમાં એશિયા કપમાં વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે શાનદાર સદી ફટકારી હતી. જોકે વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરીઝ રમી રહ્યો નથી. ભારતીય ટીમ અને વિરાટ કોહલીની નજર હવે આગામી સમયમાં શરૂ થઇ રહેલા વનડે વર્લ્ડકપ 2023 પર છે. આ બધાની વચ્ચે વિરાટના પરમ મિત્ર અને IPLમાં વિરાટ કોહલી સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા દક્ષિણ આફ્રિકાના પૂર્વ ખેલાડી એબી ડી વિલિયર્સે મોટી ભવિષ્યવાણી કરી છે. એબી ડી વિલિયર્સનું માનવું છે કે, વિરાટ કોહલી વર્લ્ડકપ 2023 પછી વનડે અને ટી20 ફોર્મેટને અલવિદા કહી દેશે, એટલે કે વિરાટનું સંન્સાય લેવાનું પ્લાનિંગ નજીકનું છે. 


એબી ડિવિલિયર્સે વિરાટ કોહલીના રિટાયરમેન્ટ પર શું કહ્યું ?
એબી ડી વિલિયર્સે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે હવે આગામી વનડે વર્લ્ડકપ વર્ષ 2027માં દક્ષિણ આફ્રિકાની ધરતી પર રમાવાનો છે. વિરાટ કોહલી આગામી વર્લ્ડકપ સુધી રમશે કે કેમ તે મુશ્કેલ છે. તેણે કહ્યું કે વર્લ્ડકપ 2027 માટે લાંબો સમય બાકી છે. જો તમે વિરાટ કોહલીને પૂછો તો તે કહેશે કે અત્યારે ફોકસ વર્લ્ડકપ 2023 પર છે. તેણે એમ પણ કહ્યું કે જો ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ જીતે છે, તો વિરાટ કોહલી માટે આનાથી વધુ સારું શું હશે... વિરાટ કોહલી માટે આ એક મોટી ભેટ હશે.


'વનડે અને ટી20 ફૉર્મેટને અલવિદા કહી શકે છે વિરાટ કોહલી'
એબી ડી વિલિયર્સે કહ્યું કે આ વર્લ્ડકપ પછી વિરાટ કોહલી કદાચ વનડે અને ટી-20 ફોર્મેટને અલવિદા કહી શકે છે. જોકે વિરાટ કોહલી આગામી કેટલાક વર્ષો સુધી ટેસ્ટ અને આઈપીએલ રમી શકે છે. જો કે, એબી ડી વિલિયર્સની આ ભવિષ્યવાણી બાદ વિરાટ કોહલીના કરોડો ચાહકોનું દિલ તૂટી ગયું છે, પરંતુ એ જોવું રસપ્રદ રહેશે કે શું વિરાટ કોહલી વર્લ્ડકપ 2023 પછી વનડે અને ટી20 ફોર્મેટને ખરેખર અલવિદા કહેશે? હાલમાં વિરાટ કોહલીની ઉંમર અંદાજે 34 વર્ષની છે. આ ઉપરાંત તે શારીરિક રીતે ખૂબ જ ફિટ છે. વિરાટ કોહલીના ચાહકોને આશા છે કે કિંગ કોહલી આગામી વનડે વર્લ્ડકપ સુધી ચોક્કસપણે રમશે.