IND VS AUS: જો ભારતીય ટીમ મહિલા ટી20 વર્લ્ડકપમાં સેમિફાઈનલની પોતાની આશા જીવંત રાખવા ઈચ્છે છે તો તેને આજે ઓસ્ટ્રેલિયાને મોટા અંતરથી હરાવવું પડશે. ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ મેચ હાર્યા બાદ ભારતે પાકિસ્તાન અને શ્રીલંકાને હરાવીને વાપસી કરી હતી. ભારતે શ્રીલંકાને 82 રને હરાવ્યું, જે ટૂર્નામેન્ટના ઇતિહાસમાં તેની સૌથી મોટી જીત છે. આ કારણે ભારતનો રન રેટ પણ નેગેટિવમાંથી પૉઝીટીવમાં બદલાઈ ગયો અને છેલ્લા ચારમાં પહોંચવાની શક્યતા પણ પ્રબળ બની ગઈ.


બીજી પૉઝિશન માટે ત્રણ ટીમો વચ્ચે ટક્કર 
ઓસ્ટ્રેલિયાના ત્રણ મેચમાં છ પૉઈન્ટ છે અને તેનો નેટ રનરેટ પ્લસ 2.786 છે. ઓસ્ટ્રેલિયાએ સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે જ્યારે ભારત, ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન બાકીના સ્થાનો માટે રેસમાં છે. ભારત ગ્રુપ Aમાં બીજા સ્થાને છે જ્યારે ઓસ્ટ્રેલિયા ટોપ પર છે.


નેટ રનરેટ પર ટકશે આખી લડાઇ 
ભારતના ચાર પૉઈન્ટ છે અને નૉકઆઉટમાં પ્રવેશવા માટે તેને જીતની જરૂર છે કારણ કે ન્યૂઝીલેન્ડ પાસે હજુ એક મેચ રમવાની બાકી છે અને તે છ પૉઈન્ટ સાથે છેલ્લા ચારમાં પહોંચી શકે છે. આવી સ્થિતિમાં મામલો નેટ રન રેટ પર આવી જશે. ભારતનો નેટ રન રેટ હાલમાં પ્લસ 0.567 છે જ્યારે ન્યૂઝીલેન્ડનો માઈનસ 0.050 છે. પાકિસ્તાનના ત્રણ મેચમાં બે પૉઈન્ટ છે. જો તેઓ છેલ્લી મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવે અને ભારત ઓસ્ટ્રેલિયા સામે હારી જાય તો તમામ ટીમોના ચાર પોઈન્ટ હશે અને તે પછી પણ નેટ રન રેટની ચર્ચા થશે. આથી ભારતીય ટીમે માત્ર જીતવું જ નથી પણ મોટા માર્જિનથી જીતવું પડશે.


ટીમ ઉતરશે નવા કેપ્ટનની સાથે 
ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ શુક્રવારે પાકિસ્તાનને હરાવ્યું હતું, પરંતુ મેચ દરમિયાન કેપ્ટન એલિસા હીલીને ફિલ્ડિંગ કરતી વખતે તેના પગમાં ઈજા થઈ હતી અને ઝડપી બોલર તાયલા વ્લેમિંકે તેના ખભાને ઇજા પહોંચાડી હતી, તાયલા ટૂર્નામેન્ટમાંથી બહાર છે અને ભારત સામેની મેચમાં હિલીની ભાગીદારી પણ શંકાસ્પદ છે. હીલીની ગેરહાજરીમાં ભારતને ફાયદો થઈ શકે છે. હીલીએ ભારત સામે 29 ટી20 મેચ રમી છે જેમાં તેણે પાંચ અડધી સદી સાથે 578 રન બનાવ્યા છે. ન્યૂઝીલેન્ડ બાદ તેણે ભારત સામે સૌથી વધુ રન બનાવ્યા છે. જો હીલી નહીં રમે તો ઓસ્ટ્રેલિયાએ નવો કેપ્ટન, વિકેટકીપર અને ઓપનિંગ બેટ્સમેન શોધવો પડશે. બેથ મૂની વિકેટકીપિંગ કરી શકે છે જ્યારે વાઇસ-કેપ્ટન તાહલિયા મેકગ્રાને કેપ્ટનશિપ આપવામાં આવી શકે છે.


ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન: - 
શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમિમાહ રોડ્રિગ્સ, ઋચા ઘોષ (વિકેટકીપર), સજીવન સજના, દીપ્તિ શર્મા, અરુંધતી રેડ્ડી, શ્રેયંકા પાટિલ, આશા શોભના, રેણુકા સિંહ.


ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન: - 
એલિસા હીલી (કેપ્ટન), બેથ મૂની, એલિસ પેરી, ફોબી લિચફિલ્ડ, ગ્રેસ હેરિસ, એશ્લે ગાર્ડનર, જ્યોર્જિયા વેરહેમ, તાહલિયા મેકગ્રા, એનાબેલ સધરલેન્ડ, સોફિયા મોલિનેક્સ, મેગન શુટ.


આ પણ વાંચો


Women's T20 World Cup 2024: ઓસ્ટ્રેલિયા હારશે તો ટીમ ઈન્ડિયાનું શું થશે? જુઓ શું છે સેમી ફાઈનલનું સમીકરણ