Cricket: ભારતીય ટીમના ખેલાડીઓ અત્યારે અન્ય દેશોના ખેલાડીઓ સાથે આઇપીએલમાં રમી રહ્યાં છે. આ બધાની વચ્ચે ભારતીય ટીમ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમના અનુભવી ફાસ્ટ બૉલર મોહમ્મદ શમીની મુશ્કેલીઓ વધી શકે છે. ખરેખર, શમીની પત્ની હસીન જહાં આ ક્રિકેટર પતિની ધરપકડ કરાવવા માટે સુપ્રીમ કોર્ટ પહોંચી છે. પોતાની અરજીમાં હસીન જહાંએ કલકત્તા હાઈકોર્ટના આદેશને પડકાર્યો છે, જેને મોહમ્મદ શમી વિરુદ્ધ જાહેર કરાયેલ ધરપકડ વૉરંટ પર સેશન્સ કોર્ટના સ્ટેને યથાવત રાખ્યો હતો.


ઉલ્લેખનીય છે કે, શમીની પત્નીએ આ અરજી પોતાના વકીલો દ્વારા દાખલ કરી છે, આમાં વકીલો દીપક પ્રકાશ, નચિકેત વાજપેયી અને દિવ્યાંગના મલિક વાજપેયી સામેલ છે. આરોપ છે કે શમી તેની પાસેથી દહેજ માંગતો હતો અને BCCI સંબંધિત ટૂર્સ પર બોર્ડ દ્વારા આપવામાં આવેલા રૂમમાં વેશ્યાઓ સાથે અનૈતિક સંબંધો બાંધતો હતો. 


હસીન જહાંની અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ કેસમાં અલીપુરના એડિશનલ ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ દ્વારા 29 ઓગસ્ટ, 2019એ મોહમ્મદ શમી વિરુદ્ધ એક ધરપકડ વૉરંટ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, શમીએ આ નિર્ણયને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો, અને બાદમાં ધરપકડ વૉરંટ અને આખા કેસમાં આગળની કાર્યવાહી પર રોક લગાવી દેવામા આવી હતી. આ પછી હસીન જહાંએ કલકત્તા હાઈકોર્ટનો સંપર્ક કર્યો, પરંતુ હાઈકોર્ટે પણ ધરપકડ વૉરંટ પરનો સ્ટે ઉઠાવવાનો ઈન્કાર કરી દીધો હતો.


હસીન જહાંની અરજીમાં કહેવામાં આવ્યું છે કે, કાયદા હેઠળ કોઈપણ સેલિબ્રિટીને કોઈ વિશેષ દરજ્જો મળવો જોઈએ નહીં. અરજીમાં કહેવામાં આવ્યું છે કે કોર્ટનો આદેશ કાયદામાં સ્પષ્ટ રીતે ખોટો છે, જે ઝડપી સુનાવણીના અધિકારને મહત્વ આપે છે. તેને કહ્યું છે કે ક્રિકેટરના કેસમાં ચાર વર્ષથી કેસ આગળ ચાલી શક્યો નથી.