Jasprit Bumrah On Cricket : સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં નથી રમી રહ્યો. મુંબઈ ઈન્ડિયન્સ તેને સ્પષ્ટ રીતે મિસ કરી રહી છે. કારણ કે આ સિઝનમાં ટીમની સૌથી નબળી કડી બોલિંગ બની રહી છે. બુમરાહ છેલ્લા કેટલાક સમયથી મુંબઈનો નંબર વન બોલર રહ્યો છે. પોતાની ઘાતક બોલિંગ વડે બુમરાહે હારી ગયેલી મેચ પરત કરીને ટીમને ઘણી વખત જીત અપાવી હતી. તેની શાનદાર બોલિંગના કારણે તે ટીમ ઈન્ડિયાનો મુખ્ય બોલર પણ બની ગયો.


જોકે ઈજાના કારણે તે છેલ્લા એક વર્ષમાં બહુ ઓછું ક્રિકેટ રમી શક્યો હતો. જ્યારે એવી આશા રાખવામાં આવી રહી છે કે, તે આ વર્ષે ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ પહેલા ફિટ થઈ જશે, પરંતુ તે પહેલા તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે કહી રહ્યો છે કે, તેની કેવી રીતે  ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી થઈ હતે. તેનો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર યુવરાજ સિંહ સાથે લાઈવ ચેટ કરતી વખતનો છે.


બુમરાહે આ વીડિયોમાં કહ્યું હતું કે, લોકોને એવું લાગે છે, ઘણા લોકો મને કહે પણ છે કે, હું IPLમાંથી ટીમ ઈન્ડિયામાં આવ્યો છું પરંતુ આ એક મિથ છે. હું 2013માં IPLમાં આવ્યો હતો. ત્યાર બાદ ત્રણ વર્ષ સુધી મને IPLમાં ક્યારેક બે, ક્યારેક ચાર અને 10 મેચ રમવાની તક મળી હતી.


તેણે કહ્યું હતું કે, હું IPLમાં સતત નહોત રમી રહ્યો, તો તેના આધારે હું ટીમ ઈન્ડિયામાં કેવી રીતે આવ્યો? મેં વિજય હજારેમાં પ્રદર્શન કર્યું, રણજી ટ્રોફીમાં વિકેટો લીધી. ત્યાર બાદ જ મને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી. 2016માં ટીમ ઈન્ડિયા સાથે જોડાયા બાદ મને સતત આઈપીએલમાં રમવાની તક મળી છે. તો પછી હું કેવી રીતે સ્વીકારી લવ. ખરો આધાર તો તમારી રણજી ટ્રોફી અને સ્થાનિક ટુર્નામેન્ટ જ છે.


બુમરાહ મુંબઈ ઈન્ડિયન્સનો નંબર વન બોલર


જસપ્રીત બુમરાહે તેના શાર્પ યોર્કર વડે મુંબઈ ઈન્ડિયન્સને ઘણી મેચોમાં જીત અપાવી હતી. તેણે આ ટીમ માટે અત્યાર સુધીમાં કુલ 120 મેચ રમી છે જેમાં તેણે 145 વિકેટ લીધી છે. IPLમાં તેના શ્રેષ્ઠ પ્રદર્શનની વાત કરીએ તો તેણે 10 રન આપીને 5 વિકેટ ઝડપી છે. જોકે, IPLની 16મી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સને તેની અને તેની બોલિંગની ખોટ વર્તાઈ રહી છે.


ટીમ ઈન્ડિયા માટે પણ શાનદાર રેકોર્ડ


બુમરાહે પોતાની શાનદાર બોલિંગથી ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું છે. બુમરાહે ભારત માટે અત્યાર સુધીમાં કુલ 30 ટેસ્ટ, 72 વનડે અને 60 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટેસ્ટ ક્રિકેટમાં તેની કુલ 128 વિકેટ છે. જ્યારે તેણે ODIમાં 121 સફળતા હાંસલ કરી જ્યારે T20 આંતરરાષ્ટ્રીયમાં તેના ખાતામાં 70 વિકેટ છે.