Rishabh Pant Comeback:  ભારતીય વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત વિશે મહત્વની માહિતી સામે આવી છે. કાર અકસ્માત બાદ ઈજામાંથી સાજા થઈ રહેલા પંતે નેટ્સમાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પંત નેટ્સમાં 140 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલનો સામનો કરી રહ્યો છે. પંતની નેટ પ્રેક્ટિસ શરૂ કરવી ભારતીય ટીમ માટે મોટી રાહત સાબિત થઈ શકે છે.


ગત મહિને થ્રો ડાઉન દ્વારા શરૂ કરી હતી પ્રેક્ટિસ


‘RevSportz’ના રિપોર્ટ અનુસાર પંતે નેશનલ ક્રિકેટ એકેડમીમાં નેટ્સમાં બેટિંગ શરૂ કરી દીધી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પંત એનસીએમાં 140 કિમી પ્રતિ કલાકની સ્પીડનો સામનો કરી રહ્યા છે. પંતે ગયા મહિને જ થ્રોડાઉન દ્વારા પ્રેક્ટિસ શરૂ કરી હતી, પરંતુ છેલ્લા કેટલાક સપ્તાહમાં બોલની ગતિ વધી છે.


ધીમે ધીમે વિકેટકિપિંગ પણ કર્યું છે શરૂ


રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે પંતને ઝડપી બોલનો સામનો કરવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો નથી. બેટિંગ ઉપરાંત પંતે વિકેટકીપિંગ પણ શરૂ કરી દીધું છે. જોકે વિકેટકીપિંગની તીવ્રતા ઓછી રાખવામાં આવી છે. પંત હજુ પણ નાની હલનચલન સાથે આગળ વધી રહ્યો છે, પરંતુ અત્યારે તેના માટે મોટી હિલચાલ સરળ નથી.






પંત ક્યારે કરી શકે છે કમબેક ?


રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે મેડિકલ સ્ટાફ અને ટ્રેનર્સનું માનવું છે કે આગામી કેટલાક મહિનામાં પંત મોટા સ્ટેપ ભરી શકશે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પંત આવતા વર્ષે જાન્યુઆરીમાં ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે રમાનારી ટેસ્ટ શ્રેણી દ્વારા કમબેક કરી શકે છે.


પંતે પોતાની રિકવરીથી બધાને ચોંકાવી દીધા છે. અહેવાલમાં એનસીએના સ્ત્રોતને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, “પંત સારી રીતે રિકવરી કરી રહ્યો છે. તેણે 140 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ શરૂ કરી છે. તે જે રીતે તેની રિકવરીમાં દરેક અવરોધને પાર કરી રહ્યો છે તેનાથી અમે બધા ખુશ છીએ. તે સારી કીપિંગ કરી રહ્યો છે. તેમનું આગામી લક્ષ્ય વધુ અને ઝડપી ગતિવિધિ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે, જે અમે આશા રાખીએ છીએ કે તેઓ આગામી થોડા મહિનામાં હાંસલ કરશે.