India vs England 2nd Test: ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લા 14 વર્ષથી ઘરઆંગણે એકપણ ટેસ્ટ સીરીઝ હારી નથી. છેલ્લી વખત ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડે ભારતમાં ટેસ્ટ સીરીઝમાં પરાજય આપ્યો હતો. હવે ઈંગ્લેન્ડે ફરી એકવાર ભારત સામેની ટેસ્ટ સીરીઝ જીત સાથે શરૂ કરી છે. જોકે, ભારતની સામે સૌથી મોટી સમસ્યા એ છે કે ટીમ બીજી ટેસ્ટમાં ચાર મોટા ખેલાડીઓ વિના રહેશે. આવી સ્થિતિમાં રોહિત બ્રિગેડ માટે ઈંગ્લેન્ડનો પડકાર આસાન નથી.


હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં મુલાકાતી ઈંગ્લેન્ડે લગભગ હારેલી રમત જીતી લીધી હતી. ભારતે આ ટેસ્ટમાં પ્રથમ દાવમાં 190 રનની મોટી લીડ મેળવી હતી. આમ છતાં ઇંગ્લેન્ડે ટેસ્ટ મેચ 28 રને જીતી લીધી હતી. આ જીતથી મુલાકાતી ટીમનું મનોબળ વધશે.


આ 4 મોટા ખેલાડીઓ વિના ઉતરશે ટીમ ઇન્ડિયા 
બીજી ટેસ્ટમાં ભારતીય ટીમ વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા, કેએલ રાહુલ અને મોહમ્મદ શમી જેવા સ્ટાર ખેલાડીઓ વગર મેદાનમાં ઉતરશે. શમી શરૂઆતથી જ આ ટેસ્ટ સીરીઝમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નથી. રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ પ્રથમ ટેસ્ટ રમ્યા હતા, પરંતુ ઈજાના કારણે બીજી ટેસ્ટ નહીં રમે. આ સિવાય વિરાટ કોહલીએ પ્રથમ બે ટેસ્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. આવી સ્થિતિમાં આ ખેલાડીઓ વિના રોહિત બ્રિગેડ માટે હૈદરાબાદની હારનો બદલો લેવો આસાન નહીં હોય.


તમને જણાવી દઈએ કે જાડેજા અને રાહુલની બાદબાકી બાદ બીજી ટેસ્ટ માટે સરફરાઝ ખાન, વોશિંગ્ટન સુંદર અને સૌરવ કુમારને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જો કે, જો ભારતીય ટીમ ચાર સ્પિનરો સાથે જશે તો રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવ પ્લેઈંગ ઈલેવનમાં જોવા મળી શકે છે. વળી, માત્ર વાઇસ-કેપ્ટન જસપ્રિત બુમરાહ જ ઝડપી બોલર તરીકે રમી શકે છે.


ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા - 
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જાયસ્વાલ, શ્રેયસ અય્યર, કેએસ ભરત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ. કુમાર, જસપ્રીત બુમરાહ (વાઈસ-કેપ્ટન), અવેશ ખાન, રજત પાટીદાર, સરફરાઝ ખાન, વોશિંગ્ટન સુંદર અને સૌરવ કુમાર.