Indian Team 125 Crore Prize Money Distribution: ટી20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ભારતીય ટીમને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપી હતી. આ ઈનામની રકમ પછી દરેકના મનમાં એક સવાલ ઉઠી રહ્યો હતો કે તેની વહેંચણી કેવી રીતે થશે અને કેટલી રકમ કોના હિસ્સામાં જશે ? તેથી BCCIની આ ઈનામી રકમ ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ, કૉચ અને પસંદગીકારોમાં વહેંચવામાં આવશે.


બીસીસીઆઈના એક સૂત્રએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, "ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને બીસીસીઆઈ તરફથી મળવાની ઈનામની રકમ વિશે જાણ કરવામાં આવી છે અને અમે દરેકને ઈન્વૉઈસ સબમિટ કરવા કહ્યું છે."


કોના ભાગમાં કેટલા રૂપિયા આવશે ? 
InsideSportsના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ટીમના મુખ્ય 15 ખેલાડીઓને 5-5 કરોડ રૂપિયા આપવામાં આવશે, આમાં એવા ખેલાડીઓ પણ સામેલ છે જેમણે એકપણ મેચ રમી નથી. આ સિવાય મુખ્ય કૉચ રાહુલ દ્રવિડને પણ 5 કરોડ રૂપિયા આપવામાં આવશે. આ સિવાય કૉચિંગ ગ્રૂપના મુખ્ય સભ્યો જેમ કે બૉલિંગ કૉચ, બેટિંગ અને ફિલ્ડિંગ કોચને 2.5 કરોડ રૂપિયા મળશે.


જ્યારે પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકર સહિત બાકીના ચાર પસંદગીકારોને 1-1 કરોડ રૂપિયા આપવામાં આવશે. બાકીના ફિઝિયોથેરાપિસ્ટ, થ્રોડાઉન નિષ્ણાતો, માલિશ કરનારા અને સ્ટ્રેન્થ એન્ડ કન્ડીશનીંગ કોચને દરેકને 2 કરોડ રૂપિયા મળશે.


ટીમની સાથે રહેલા ચાર રિઝર્વ ખેલાડીઓને 1 કરોડ રૂપિયા આપવામાં આવશે. રિઝર્વ ખેલાડીઓમાં રિંકુ સિંહ, શુભમન ગીલ, આવેશ ખાન અને ખલીલ અહેમદનો સમાવેશ થાય છે. આ બધા સિવાય વીડિયો એનાલિસ્ટ અને લૉજિસ્ટિક્સ મેનેજરને પણ એવોર્ડ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે ટી20 વર્લ્ડકપ 2024 માટે ભારતીય ટીમમાં કુલ 42 લોકો ગયા હતા.


આઇસીસીએ પણ આપી 20 કરોડની પ્રાઇઝ 
BCCI ઉપરાંત ICCએ પણ વિજેતા ટીમ ઈન્ડિયાને ઈનામી રકમ આપી હતી. આઈસીસીએ ખિતાબ જીતનાર ભારતીય ટીમને લગભગ 20 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપી હતી. આઈસીસીએ ઉપવિજેતા દક્ષિણ આફ્રિકાને લગભગ 10 કરોડ રૂપિયાની ઈનામી રકમ પણ આપી હતી. આટલું જ નહીં ICCએ સેમીફાઈનલમાં પહોંચેલી અન્ય ટીમોને પણ ઈનામી રકમ આપી હતી. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે કુલ 93.8 કરોડ રૂપિયાની ઇનામી રકમની જાહેરાત કરી હતી.