Rishi Sunak: બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકનો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ કોઈનાથી છૂપો નથી. શુક્રવારે જ્યારે તેમને ઈંગ્લેન્ડના ફાસ્ટ બૉલર જેમ્સ એન્ડરસનનો સામનો કર્યો ત્યારે આખી દુનિયાએ તેમની ક્રિકેટ પ્રત્યેની દિવાનગી પણ જોઇ. ખુદ વડાપ્રધાને તેનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યો છે. તેણે તેના X એકાઉન્ટમાંથી નેટ પ્રેક્ટિસ સાથે સંબંધિત તસવીરો અને વીડિયો શેર કર્યા જેમાં તે બાળકો અને ખેલાડીઓ સાથે મસ્તી કરતાં જોવા મળ્યા હતા. 


નેટ્સ પર પ્રેક્ટિસ કરતાં બ્રિટિશ પીએમે શેર કર્યો વીડિયો 
વડાપ્રધાન સુનકે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી તસવીરો પૉસ્ટ કરી અને તેમના પ્રશંસકોને તેમના પ્રદર્શન વિશે પ્રશ્નો પૂછ્યા. તેણે લખ્યું કે, શું હું ઈંગ્લેન્ડની ટીમમાં સ્થાન માટે તૈયાર છું ? તેના જવાબમાં ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે જવાબ આપ્યો, "ખરાબ નથી, કદાચ પહેલા થોડા વધુ નેટ સેશનમાં ભાગ લેવો પડશે."






જેમ્સ એન્ડરસને પુરી કરી 700 વિકેટો 
તાજેતરમાં, ભારત સામે રમાયેલી પાંચ મેચોની ટેસ્ટ સીરીઝમાં જેમ્સ એન્ડરસને 700 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી હતી. આવું કરનાર તે પ્રથમ ઝડપી બોલર બન્યો. આ પહેલા શ્રીલંકાના સ્પિન બોલર મુથૈયા મુરલીધરને 800 અને ઓસ્ટ્રેલિયાના સ્પિન બોલર શેન વોર્ને 708 વિકેટ ઝડપી હતી. ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનારા ટોચના પાંચ બોલરોમાં એન્ડરસન એકમાત્ર સક્રિય બોલર છે.


સૌથી વધુ ટેસ્ટ રમવાના મામલે સચિનથી 13 ટેસ્ટ પાછળ છે એન્ડરસન 
એન્ડરસને તેની પ્રથમ ટેસ્ટ 22 મે 2003ના રોજ લોર્ડ્સમાં ઝિમ્બાબ્વે સામે રમી હતી. તેણે ડેબ્યૂ ટેસ્ટના પ્રથમ દાવમાં 5 વિકેટ ઝડપી હતી. હવે 41 વર્ષની ઉંમરે પણ તેની ધાર ઓછી થઈ નથી. તેણે અત્યાર સુધીમાં 187 ટેસ્ટ રમી છે અને તે સૌથી વધુ ટેસ્ટ રમનાર સચિન તેંડુલકરથી 13 ટેસ્ટ પાછળ છે. આ સિવાય તેણે 194 વનડેમાં 269 વિકેટ અને T20 ઈન્ટરનેશનલમાં 18 વિકેટ સહિત કુલ 987 વિકેટ લીધી છે. ટેસ્ટમાં 42 રનમાં સાત વિકેટ તેની સર્વશ્રેષ્ઠ બોલિંગ છે, જ્યારે વનડેમાં 23 રનમાં પાંચ વિકેટ અને 23 રનમાં ત્રણ વિકેટ ટી20 ઈન્ટરનેશનલમાં તેની સર્વશ્રેષ્ઠ બોલિંગ છે. ટેસ્ટમાં એન્ડરસને 32 વખત એક ઇનિંગમાં પાંચ વિકેટ લીધી છે જ્યારે વનડેમાં તેણે બે વખત આવું કર્યું છે.