વડોદરા: ભારતનો પૂર્વ ઓલ રાઉન્ડર ક્રિકેટર ઈરફાન પઠાણ કોઈને કોઈ વાતે ચર્ચામાં રહે છે. ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ દે કોમેન્ટ્રી કરી રહ્યો છે. તેમા પણ તે પોતાના આગવા અંદાજમાં લોકોનું દિલ જીતી રહ્યો છે. આ સમયે દુબઈ ખાતે એશિયા કપની શરૂઆત થવા જઈ રહી છે. જેમાં ઈરફાન પઠાણ કોમેન્ટ્રી કરતો જોવા મળશે.


 






જો કે દુબઈ પહોંચે તે પહેલા ઈરફાન પઠાણને ફ્લાઇટનો કડવો અનુભવ થયો છે. જેને લઈને ઈરફાન પઠાણે સોશિયલ મીડિયા પર બળાપો ઠાલવ્યો છે. આ અંગે સામે આવેલી માહિતી પ્રમાણે ઈરફાન મુંબઇથી પરિવાર સાથે દુબઇ જઈ રહ્યો હતો ત્યારે ફ્લાઇટમાં તેને કડવો અનુભવ થયો. વિસ્તારા ફ્લાઇટમાં ટીકીટ ડાઉનગ્રેડ કરાતા ઈરફાન રોષે ભરાયો હતો. આ ઉપરાંત દોઢ કલાક કાઉન્ટર પર ઉભા રહેવાનો વારો આવ્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર આ અંગે પોસ્ટ પણ કરી છે અને લખ્યું કે, મારી સાથે પત્ની અને બે નાના બાળકો પરેશાન થયા. આ ઉપરાંત સંબંધિત અધિકારીઓને પગલાં લેવા માગ કરી હતી.


પાકિસ્તાન સામે મેચ પહેલાં રોહિત અને કોહલીએ લગાવ્યા જબરદસ્ત શોટ્સ


એશિયન ક્રિકેટનો સૌથી મોટો મહાકુંભ એટલે કે એશિયા કપ હવે થોડા જ દિવસોમાં શરૂ થવા જઈ રહ્યો છે. એશિયા કપ 27 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે. ટૂર્નામેન્ટની સૌથી મોટી મેચ એટલે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 28 ઓગસ્ટે રમાશે. આ પહેલા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા અને ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી નેટ પર જોરદાર પ્રેક્ટિસ કરી રહ્યા છે. દુબઈમાં પ્રેક્ટિસ દરમિયાન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ નેટમાં ચોગ્ગા અને સિક્સરનો વરસાદ કર્યો હતો. નેટ્સમાં બંનેએ અશ્વિન અને જાડેજાના બોલ પર જોરદાર શોટ રમ્યા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.


એશિયા કપમાં નવી જર્સીમાં જોવા મળશે ટીમ ઈન્ડિયા


એશિયા કપમાં ભારતીય ટીમ નવી જર્સીમાં જોવા મળશે. ICC અને ACCની દરેક ટૂર્નામેન્ટમાં ટીમો નવી જર્સીમાં જોવા મળે છે. આ જર્સીમાં ટૂર્નામેન્ટનું નામ પણ લખેલું હોય છે. ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે, જેમાં ટીમ ઈન્ડિયાની એશિયા કપની નવી જર્સી પરથી પડદો ઉઠ્યો છે. ભારતીય ટીમની જર્સી વાદળી છે, જ્યારે એશિયા કપ 2022નો લોગો પણ ટીમની જર્સીમાં દેખાય છે. આ જર્સી પર ત્રણ સ્ટાર પણ છે. તમને જણાવી દઈએ કે, જાડેજા સિવાય અન્ય કોઈ ખેલાડીએ નવી જર્સીમાં ફોટો કે વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો નથી.


પાકિસ્તાન ટીમનો નવો અવતાર પણ જોવા મળશે


ભારતીય ટીમ સિવાય પાકિસ્તાનની ટીમે પણ પોતાની નવી જર્સીની તસવીર શેર કરી છે. બાબર આઝમની કેપ્ટનશીપમાં એશિયા કપ રમનાર પાકિસ્તાની ટીમે પોતાની નવી જર્સીની તસવીર જાહેર કરી છે. તેની નવી જર્સીમાં કેપ્ટન બાબર આઝમ અને ટીમના અન્ય ખેલાડીઓ ફોટોશૂટ માટે પહોંચ્યા હતા.