ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે ગુરુવારે દક્ષિણ આફ્રિકા સામે ODI વર્લ્ડ કપ 2023ની બીજી સેમિફાઇનલમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. વોર્નર ODI વર્લ્ડ કપમાં 1500 રન પૂરા કરનાર ઓસ્ટ્રેલિયાનો બીજો બેટ્સમેન બન્યો છે. વોર્નર પહેલા અનુભવી કેપ્ટન રિકી પોન્ટિંગ આ આંકડો પાર કરવામાં સફળ રહ્યો હતો.


જો કે, ડેવિડ વોર્નર ODI વર્લ્ડ કપમાં 1500 કે તેથી વધુ રન બનાવનાર વિશ્વનો છઠ્ઠો બેટ્સમેન બન્યો છે. વોર્નર હવે સચિન તેંડુલકર (2278 રન), રિકી પોન્ટિંગ (1743 રન), વિરાટ કોહલી (1741 રન), કુમાર સંગાકારા (1532 રન) અને રોહિત શર્મા (1528 રન)ની ક્લબમાં સામેલ થઈ ગયો છે.


ઓસ્ટ્રેલિયાને 2015 વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવવામાં વોર્નરે મહત્વની ભૂમિકા ભજવી હતી. ડાબોડી બેટ્સમેને વનડે વર્લ્ડ કપમાં છ સદી અને પાંચ અડધી સદી ફટકારી છે. ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં ડેવિડ વોર્નર કરતા માત્ર રોહિત શર્માએ વધુ સદી ફટકારી છે. વોર્નર 6 સદી સાથે સચિન તેંડુલકર સાથે સંયુક્ત રીતે બીજા સ્થાને છે.


ડેવિડ વોર્નરે ODI વર્લ્ડ કપમાં માત્ર 28 ઇનિંગ્સમાં 1500થી વધુ રન બનાવ્યા છે. તેની સરેરાશ 60ની આસપાસ હતી. દક્ષિણ આફ્રિકા સામેની ઇનિંગ્સ સાથે, વોર્નરે ODI વર્લ્ડ કપની એક આવૃત્તિમાં 500 થી વધુ રન બનાવ્યા. વોર્નર ODI વર્લ્ડ કપની એક આવૃત્તિમાં 500 કે તેથી વધુ રન બનાવનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન બન્યો.


વોર્નર વર્તમાન વર્લ્ડ કપમાં 500 કે તેથી વધુ રન બનાવનાર સાતમો બેટ્સમેન બન્યો છે. આ પહેલા વિરાટ કોહલી, ક્વિન્ટન ડી કોક, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, રોહિત શર્મા અને શ્રેયસ અય્યર આ આંકડો પાર કરી ચૂક્યા છે.  


ઓસ્ટ્રેલિયાએ 2023 વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને ત્રણ વિકેટે હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા  દક્ષિણ આફ્રિકાએ ડેવિડ મિલરની સદીની મદદથી ઓસ્ટ્રેલિયાને 213 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે કાંગારુઓએ સાત વિકેટ ગુમાવીને માત્ર 47.2 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. 


ઓસ્ટ્રેલિયા માટે ટ્રેવિસ હેડે માત્ર 48 બોલમાં 62 રનની શાનદાર ઇનિંગ રમી હતી. હેડે પોતાની ઇનિંગમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. વોર્નરે પણ 18 બોલમાં એક ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 29 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ બંનેએ માત્ર 37 બોલમાં 60 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરીને ઓસ્ટ્રેલિયા માટે રન ચેઝને સરળ બનાવી દીધો હતો. જોકે, અંતે પેટ કમિન્સ અને મિચેલ સ્ટાર્કે ટીમને જીત તરફ દોરી હતી. સ્ટાર્ક 38 બોલમાં 16 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો અને કમિન્સ 29 બોલમાં 14 રન બનાવીને અણનમ પાછો ફર્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમ 8મી વખત ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે. હવે 19મી નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કાંગારૂ ટીમ ઈન્ડિયા સામે ફાઈનલ મેચ રમશે.