Pakistan Team's Gift To David Warner: ઓસ્ટ્રેલિયાન દિગ્ગજ ઓપનર બેટ્સમેન ડેવિડ વૉર્નર હાલમાં પોતાની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ સિડનીના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં પાકિસ્તાન વિરૂદ્ધ રમી હતી. છેલ્લી ટેસ્ટ ડેવિડ વૉર્નર માટે ઘણી સારી રહી કારણ કે ઓસ્ટ્રેલિયાએ મેચ જીતી લીધી હતી. મેચમાં ટાર્ગેટનો પીછો કરતી વખતે વોર્નરે 7 ચોગ્ગાની મદદથી 57 રન બનાવ્યા હતા. કેરિયરની છેલ્લી ટેસ્ટ બાદ પાકિસ્તાનની ટીમે વૉર્નરને એક ખાસ ભેટ આપી હતી. જે પળની તસવીર હાલમાં ખુબ જ વાયરલ થઇ રહી છે.
ખરેખરમાં, પાકિસ્તાને ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી ચૂકેલા ડેવિડ વૉર્નરને બાબર આઝમની જર્સી ભેટમાં આપી હતી, જેના પર પાકિસ્તાની ખેલાડીઓના હસ્તાક્ષર હતા. પાકિસ્તાનના કેપ્ટન શાન મસૂદે વૉર્નરને ગિફ્ટમાં જર્સી આપી હતી.
તમને જણાવી દઈએ કે વૉર્નરે પોતાના ટેસ્ટ કેરિયરમાં 112 મેચ રમી છે, જેમાં 205 ઇનિંગ્સમાં બેટિંગ કરીને 44.59ની એવરેજથી 8786 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 26 સદી અને 37 અડધી સદી ફટકારી હતી. વૉર્નરે ડિસેમ્બર 2011માં ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.
ત્રીજી ટેસ્ટ મેચ જીતી ઓસ્ટ્રેલિયા
ત્રીજી ટેસ્ટમાં પાકિસ્તાને ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 313 રન બોર્ડ પર મૂક્યા. ત્યારપછી જવાબમાં પોતાની પ્રથમ ઈનિંગમાં બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયા 299 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જે બાદ એવું લાગી રહ્યું હતું કે પાકિસ્તાન અહીંથી મેચ જીતી શકશે, પરંતુ ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ પુનરાગમન કર્યું અને પાકિસ્તાનને તેની બીજી ઇનિંગમાં માત્ર 115 રનમાં આઉટ કરી દીધું. પાકિસ્તાનને 115 રનમાં ઓલઆઉટ કર્યા બાદ ઓસ્ટ્રેલિયાને માત્ર 130 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને તેણે 25.5 ઓવરમાં 2 વિકેટે જીતીને હાંસલ કરી લીધો હતો.
નોંધનીય છે કે ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝમાં ઓસ્ટ્રેલિયાની આ સતત ત્રીજી જીત હતી, જેની સાથે તેણે સીરીઝ 3-0થી જીતી લીધી હતી. પર્થમાં રમાયેલી સીરીઝની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 360 રને અને મેલબોર્નમાં રમાયેલી બીજી ટેસ્ટમાં 79 રનથી હરાવ્યું હતું.