ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નરને હાલમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી રાહત મળી નથી. કેપ્ટન ડેવિડ વોર્નર પરનો પ્રતિબંધ ચાલુ રહેશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્પષ્ટ કર્યું હતું કે તે ડેવિડ વોર્નર પરનો પ્રતિબંધ હટાવી રહ્યું નથી. આ સાથે જ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ઝડપી બોલર પેટ કમિન્સને વન-ડે ટીમનો કેપ્ટન બનાવ્યો હતો.


2018માં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન બોલ ટેમ્પરિંગ વિવાદને કારણે ડેવિડ વોર્નરની કેપ્ટનશીપ પર આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ હાલમાં જ એરોન ફિન્ચે વન-ડે  ક્રિકેટને અલવિદા કહ્યું હતું. ત્યારબાદ  ડેવિડ વોર્નર પર પ્રતિબંધ ઉઠાવવામાં આવશે તેવી ચર્ચા શરૂ થઇ હતી. વાસ્તવમાં ડેવિડ વોર્નર પોતાના અનુભવના કારણે વન-ડે  ટીમનો કેપ્ટન બનવાની રેસમાં સામેલ થયો હતો.


પરંતુ એક મહિનાના લાંબા ગાળા બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ વોર્નરને બદલે પેટ કમિન્સ પર વિશ્વાસ મૂક્યો હતો. કમિન્સને ગયા વર્ષે ટિમ પેનની જગ્યાએ ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. હવે કમિન્સ વનડેમાં ઓસ્ટ્રેલિયન ટીમનું નેતૃત્વ કરનાર પ્રથમ ઝડપી બોલર પણ બની ગયો છે.


વોર્નરને રાહત મળી શકે છે


બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી ડેવિડ વોર્નર પર કેપ્ટનશીપ અંગે લગાવવામાં આવેલ આજીવન પ્રતિબંધ હટાવવાની સતત માંગ કરવામાં આવી રહી છે. તાજેતરમાં બિગ બેશ લીગના આયોજકો તરફથી વોર્નર પરનો પ્રતિબંધ હટાવવાની અપીલ કરવામાં આવી હતી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પણ આ મામલાની સુનાવણી કરવા તૈયાર થઈ ગયું છે.


જો કે વોર્નરને ભવિષ્યમાં આ મામલે રાહત મળી શકે છે. ભવિષ્યમાં જરૂર પડ્યે વોર્નર કમિન્સનું સ્થાન સંભાળે તેવી શક્યતા છે. CA બોર્ડ દ્વારા તેમની આચારસંહિતામાં ફેરફારોની દરખાસ્ત કર્યા પછી વોર્નરના નેતૃત્વ પરનો પ્રતિબંધ હટાવી દેવામાં આવે તેવી શક્યતા છે.


ટી-20 વર્લ્ડકપ 2022 સીઝનની શરૂઆત પહેલા જ ઓસ્ટ્રેલિયન ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જોકે, આ ફેરફાર ODI ફોર્મેટ માટે કરવામાં આવ્યો છે. સ્ટાર ફાસ્ટ બોલર પેટ કમિન્સને હવે ઓસ્ટ્રેલિયન વનડે ટીમની કપ્તાની સોંપવામાં આવી છે.વન-ડે કેપ્ટનશીપની સાથે સાથે વન-ડે વર્લ્ડકપ જીતાડવાની જવાબદારી પણ કમિન્સના ખભા પર રહેશે.  કારણ કે વન-ડે વર્લ્ડકપ આવતા વર્ષની શરૂઆતમાં યોજાવા જઇ રહ્યો છે. નોંધનીય છે કે કમિન્સ અગાઉથી જ ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમનો કેપ્ટન છે.