T20 World Cup: ઓસ્ટ્રેલિયા પહોંચેલી ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2022માં શાનદાર શરૂઆત કરી છે. ટીમે યજમાન ઓસ્ટ્રેલિયા સામે તેની પ્રથમ વોર્મ-અપ મેચ રમી હતી અને તેમાં જીત મેળવી હતી. પરંતુ ચાહકો તે શાનદાર મેચની રાહ જોઈ રહ્યા છે, જે 23 ઓક્ટોબરે મેલબોર્નમાં યોજાવા જઈ રહી છે.






દિવાળીના એક દિવસ પહેલા આ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. પરંતુ આ મેચ પહેલા જ ખેલાડીઓ અને ચાહકોમાં અનેરો રોમાંચ જોવા મળી રહ્યો છે.  ભારત અને પાકિસ્તાન બંને ટીમોએ તેમની પ્રથમ વોર્મ-અપ મેચ એક જ ગ્રાઉન્ડ ગાબા ખાતે રમી હતી.


જેમાં ભારતીય ટીમનો વિજય થયો હતો જ્યારે પાકિસ્તાનને ઈંગ્લેન્ડે હરાવ્યું હતું. પરંતુ આ મેચ બાદ પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબર આઝમે નેટ્સમાં સાથે પ્રેક્ટિસ કરીને બધાને ચોંકાવી દીધા હતા. એવું ભાગ્યે જ જોવા મળે છે જ્યારે ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ જગ્યાએ પ્રેક્ટિસ કરતા જોવા મળે.


વાસ્તવમાં કોહલી વોર્મ-અપ મેચમાં સારુ પ્રદર્શન કરી શક્યો ન હતો. તેણે 13 બોલમાં 19 રન બનાવ્યા હતા. મેચ બાદ સાંજે કોહલી નેટ પ્રેક્ટિસ માટે પહોંચી ગયો હતો. મળતી માહિતી મુજબ ટીમ ઈન્ડિયાનો પ્રેક્ટિસ માટે કોઈ પ્લાન નહોતો, પરંતુ કોહલી કિટ લઈને બેટિંગ કોચ વિક્રમ રાઠોડ સાથે પહોંચ્યો હતો. આ દરમિયાન પાકિસ્તાન અને ઈંગ્લેન્ડની ટીમો પણ નેટ પ્રેક્ટિસ કરી રહી હતી.


કોહલીએ 40 મિનિટ નેટ પ્રેક્ટિસ કરી હતી


આ દરમિયાન કોહલીએ નેટમાં બેટિંગની પ્રેક્ટિસ કરી હતી. આ દરમિયાન એક તરફ બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન પણ નજીકમાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા. બીજી તરફ ઈંગ્લેન્ડના ખેલાડીઓ પ્રેક્ટિસ કરી રહ્યા હતા. કોહલીએ લગભગ 40 મિનિટ સુધી નેટ્સમાં પ્રેક્ટિસ કરી હતી. આનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કોહલી, બાબર અને રિઝવાન એકસાથે નેટ પ્રેક્ટિસ કરતા જોવા મળે છે.