નવી દિલ્હીઃ આઇસીસીએ ટી20ની રેન્કિંગ બહાર પાડી દીધી છે. ટી20 બેટ્સમેનોના રેન્કિંગમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો, પાકિસ્તાનના બાબર આઝમને પાછળ પાડીને આ વખતે ઇંગ્લિશ બેટ્સમેન ડેવિડ મલાન નંબર વનની પૉઝિશન પર પહોંચી ગયો છે. બહુ ટુંકા ગાળમાં ડેવિડ મલાને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આ ઉપલબ્ધિ હાંસિલ કરી લીધી છે.


ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રણ મેચોની ટી20 સીરીઝમાં ઇંગ્લેન્ડે 2-1 સીરીઝ પોતાના નામે કરી લીધી હતી. આ સીરીઝમાં ઇંગ્લિશ બેટ્સમેન ડેવિડ મલાને સારુ પરફોર્મન્સ આપ્યુ હતુ. મલાને 3 ઇનિંગમાં 129 રન બનાવ્યા હતા. જેમાં એક ફિફ્ટી પણ સામેલ હતી. આનો ફાયદો મલાનને મળ્યો અને તે હવે ટી20 ક્રિકેટનો નંબર વન બેટ્સમેન બની ગયો છે.

આ પહેલા ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પાકિસ્તાનો બાબર આઝમ નંબર વનની પૉઝિશન પર હતો. બાબર આઝમ ઇંગ્લેન્ડ સામેની ટી20 સીરીઝમાં સારુ પ્રદર્શન ના કરી શક્યો અને તેને આ પૉઝિશન ગુમાવવાનો વારો આવ્યો છે.

આઇસીસીની તાજા ટી20 રેન્કિંગમાં ભારતીય બેટ્સમેન કેએલ રાહુલને નુકશાન થયુ છે. તે બીજા નંબર પરથી ચોથા નબર પર સરકી ગયો છે, જ્યારે વિરાટ કોહલી 10માં નંબર પર છે. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન એરોન ફિન્ચ પોતાનુ ત્રીજુ સ્થાન યથાવત રાખવામાં સફળ થયો છે.