DC vs GT Match Report: દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સને હરાવ્યું છે. ગુજરાત ટાઇટન્સને જીતવા માટે 225 રનનો ટાર્ગેટ હતો, પરંતુ 20 ઓવરમાં 8 વિકેટે 220 રન જ બનાવી શકી હતી. આ રીતે શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સે 4 રને હારનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત ટાઇટન્સ માટે ડેવિડ મિલરે તોફાની ઇનિંગ રમી હતી. આ બેટ્સમેને 23 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 55 રન બનાવ્યા, પરંતુ ટીમને જીત તરફ લઈ જવામાં નિષ્ફળ રહ્યો. ડેવિડ મિલર સિવાય સાઈ સુદર્શને 39 બોલમાં 65 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે રિદ્ધિમાન સાહાએ 25 બોલમાં 39 રન બનાવ્યા હતા. છેલ્લી ઓવરોમાં રાશિદ ખાને 11 બોલમાં 21 રન ફટકાર્યા હતા, પરંતુ તે ટીમને જીત તરફ લઈ જઈ શક્યો નહોતો. 


 






ગુજરાત ટાઇટન્સને છેલ્લી ઓવરમાં 19 રનની જરૂર હતી. રાશિદ ખાન અને મોહિત શર્મા ક્રિઝ પર હતા. દિલ્હી કેપિટલ્સની આશા મુકેશ કુમાર પર ટકી હતી. રાશિદ ખાને આ ઓવરના પ્રથમ 2 બોલ પર સતત 2 ચોગ્ગા ફટકાર્યા હતા. પરંતુ ત્રીજા અને ચોથા બોલ પર કોઈ રન બનાવી શક્યો નહોતો. ત્યારબાદ રાશિદ ખાને પાંચમા બોલ પર સિક્સર ફટકારી હતી. હવે છેલ્લા બોલ પર 5 રનની જરૂર હતી, પરંતુ રાશિદ ખાન માત્ર 1 રન બનાવી શક્યો હતો. આ રીતે ઋષભ પંતની ટીમને રોમાંચક જીત મળી હતી. દિલ્હી કેપિટલ્સ તરફથી રસિક દાર સલામે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવને 2 સફળતા મળી. આ સિવાય એર્નિક નોર્ખિયા, મુકેશ કુમાર અને અક્ષર પટેલે 1-1 વિકેટ લીધી હતી.


સાઈ સુદર્શન અને ડેવિડ મિલરે ફિફ્ટી ફટકારી


દિલ્હી કેપિટલ્સના 224 રનના જવાબમાં બેટિંગ કરવા આવેલી ગુજરાત ટાઇટન્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. શુભમન ગિલ 5 બોલમાં 6 રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ આ પછી રિદ્ધિમાન સાહા અને સાઈ સુદર્શન વચ્ચે 82 રનની ભાગીદારી થઈ હતી. રિદ્ધિમાન સાહાના આઉટ થયા બાદ દિલ્હી કેપિટલ્સના બોલરોએ પોતાની પકડ મજબૂત બનાવવાનું શરૂ કર્યું હતું. અઝમતુલ્લા ઓમરઝાઈ, શાહરૂખ ખાન અને રાહુલ તેવટિયા જેવા બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. ડેવિડ મિલરે ચોક્કસપણે ગુજરાત ટાઇટન્સ માટે આશા જગાવી હતી, પરંતુ શુભમન ગિલની ટીમ જીતી શકી ન હતી.


આ પહેલા ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 4 વિકેટે 224 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે 43 બોલમાં સૌથી વધુ 88 રન, અક્ષર પટેલે 43 બોલમાં 66 રનનું યોગદાન આપ્યું હતું.