મુંબઇઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનમાં રવિવારે ક્વૉલિફાયર ટુ મેચ રમાશે, આ મેચમાં દિલ્હી કેપિટલ્સની ટક્કર સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે થશે. મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ ક્વૉલિફાયર વનમાં કારમી માત ખાધા બાદ આજે દિલ્હી કેપિટલ્સ ટીમમાં મોટા ફેરફાર કરવાની તૈયારીમાં છે. કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે દિલ્હી નવી ઓપનિંગ જોડી સાથે મેદાનમાં ઉતરી શકે છે.


દિલ્હી કેપિટલ્સની ટીમ માટે ઓપનર પૃથ્વી શૉનુ ફોર્મ ચિંતાનો વિષય બન્યો છે, પૃથ્વી શૉએ અત્યાર સુધી રમાયેલી 13 મેચોમાં 228 રન બનાવ્યા છે. ગઇ 8 મેચોમાં શૉનુ ફોર્મ એકદમ ખરાબ રહ્યુ છે, અને આ મેદાન પર તેનો હાઇએસ્ટ સ્કૉર 19 રનનો જ છે.

પૃથ્વી શૉની વિકેટ પડવાથી દિલ્હીનો મીડિલ ઓર્ડર વધુ દબાણમાં આવી જાય છે. આવામાં સંભાવના છે કે દિલ્હી કેપિટલ્સની ટીમ પૃથ્વી શૉને ક્વૉલિફાયર ટૂથી બહાર કરી શકે છે.

દિલ્હી કેપિટલ્સની ટીમ અજિંક્યે રહાણેને કદાચ શિખર ધવનની સાથે ઓપનિંગ કરવાનો મોકો ના આપે, કેમકે તે આ સિઝનમાં ફ્લૉપ રહ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર માર્કસ સ્ટૉઇનિસ આ સિઝનમાં સારા ફોર્મમાં છે, એટલે સંભાવના છે કે તેને આજની ક્વૉલિફાયર ટૂ મેચમાં ધવનની સાથે ઓપનિંગની જવાબદારી સોંપવામાં આવી શકે છે.

શિખર ધવનની વાત કરીએ તો દિલ્હી કેપિટલ્સનો આ સિઝનનો સૌથી સફળ બેટ્સમેન છે, તેને અત્યાર સુધી બે સદીના સહારે 525 રન બનાવ્યા છે.