અબુધાબીઃ આઇપીએલ 2020માં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ રવિવારે ટૂર્નામેન્ટની બીજી એલિમિનેટર મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે મેદાનમાં ઊતરશે. આ મેચમાં હૈદરાબાદનો તોફાની બેટ્સમેન અને વિકેટકીપર રિધ્ધિમાન સહા રમવા ઉતરશ કે નહીં તે અંગે ચાહકોમાં ઉત્સુકતા છે.


શુક્રવારે પહેલી એલિમેન્ટરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે હૈદરાબાદે સહાને બદલે શ્રીવત્સ ગોસ્વામીને ટીમમાં લઈને સૌને જોરદાર આંચકો આપી દીધો હતો. સહાને કેમ ના લેવાયો એ સવાલ પૂછાવા લાગ્યો હતો અને હૈદરાબાદના સમર્થકોએ સોશિયલ મીડિયા પર કેપ્ટન ડેવિડ વોર્નર સામે આક્રોશ પણ ઠાલવ્યો હતો. પછી ખબર પડી હતી કે, સહાને ઈજા થઈ હોવાથી તેને બહાર રાખવો પડ્યો હતો. સહાને પેઢુમાં ઈજા થતાં બહાર રહેવું પડ્યું હતું. સહાનો દુઃખાવો ઓછો થયો નતી અને તેણે વિકેટકિપિંગ કરવાનું હોવાથી તેની ઈજા વકરવાની સંભાવનાને કારણે તેને દિલ્હી સામેની મેચમાં પણ નહીં રમાડાય.

સહાએ આ સીઝનમાં ચાર મેચમાં 71.33 રનની એવરેજથી 214 રન કર્યા છે અને તેનો સ્ટ્રાઈક રેટ પણ 139.68 છે. હૈદરાબાદને છેલ્લી કેટલીક મેચોમાં જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારો સહા ચેકનિકલી સાઉન્ડ બેટ્સમેન છે તેથી પાવરપ્લેમાં તોફાની બેટિંગ કરીને જોરદાર શરૂઆત અપાવે છે. દિલ્હી સામેની મેચમાં તેને નહીં રમે તેનો હૈદરાબાદને ફટકો પડશે.