Dewald Brevis: જુનિયર એબી ડીવિલીયર્સ તરીકે જાણીતા દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસે T20 ક્રિકેટમાં વિસ્ફોટક ઈનિંગ રમીને ઐતિહાસિક રમત બતાવી છે. દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલી CSA T20 ચેલેન્જમાં ડેવાલ્ડ બ્રેવિસે (Dewald Brevis) માત્ર 35 બોલમાં સદી ફટકારી હતી. બ્રેવિસે આ મેચમાં ફક્ત 57 બોલમાં જ 162 રનની ઇનિંગ રમીને બધાને ચોંકાવી દીધા હતા.
57 બોલમાં 162 રન બનાવ્યાઃ
દક્ષિણ આફ્રિકામાં સોમવારે રમાયેલી ટાઇટન્સ અને નાઇટ્સ વચ્ચેની મેચમાં ડેવાલ્ડ બ્રેવિસે આ શાનદાર ઇનિંગ રમી હતી. ટાઇટન્સ માટે રમતો ડેવાલ્ડ બ્રાવિસ ઓપનિંગ કરવા આવ્યો હતો. આજની આ મેચમાં 19 વર્ષીય ડેવાલ્ડ બ્રાવિસનું બેટ આગ વરસાવતું જોવા મળ્યું હતું અને તેણે માત્ર 57 બોલમાં જ 162 રન બનાવી દીધા હતા. આ ઈનિંગમાં બ્રાવિસે 13 ફોર અને 13 સિક્સર ફટકારી હતી, આ રેકોર્ડબ્રેક ઈનિંગ જોઈને સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ ડેવાલ્ડ બ્રાવિસની બેટિંગના દિવાના થઈ ગયા હતા.
આવતાની સાથે જ આક્રમક બેટિંગ શરુ...
ડેવાલ્ડ બ્રેવિસની આ ઇનિંગની મદદથી ટાઇટન્સે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 271 રન બનાવ્યા હતા. બ્રેવિસે ક્રીઝ પર આવતાંની સાથે જ તેની આક્રમક બેટિંગ શરૂ કરી દીધી હતી. બ્રાવિસે પોતાનો આજનો ઇરાદો ત્યારે જ વ્યક્ત કરી દીધો હતો જ્યારે તેણે 18 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી અને પછી 35 બોલમાં જ 100 રનનો આંકડો પણ પાર કરી લીધો હતો.
20મી ઓવરમાં આઉટ થયો બ્રાવિસઃ
ડેવાલ્ડ બ્રેવિસ પોતાની ટીમ માટે ઓપનિંગ કરવા આવ્યો હતો અને છેલ્લી ઓવરમાં આઉટ થયો હતો. જો ડેવાલ્ડ બ્રાવિસ અણનમ રહ્યો હોત તો તેની પાસે ટી20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાની તક હતી. T20 ક્રિકેટમાં સૌથી મોટી ઇનિંગ રમવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે, જેણે IPLમાં 175 રનની અણનમ ઇનિંગ રમી હતી.
આ પણ વાંચો...