IND vs SA: ભારત અને દક્ષિણ આફ્રીકા (South Africa) વચ્ચેની પ્રથમ વન ડે મેચમાં ભારતનો 31 રને પરાજય થતાં ક્રિકેટ ચાહકોમાં આક્રોશ છે. સાઉથ આફ્રિકાનો સ્ટાર ફાસ્ટ બોલર કાગિસો રબાડા આ મેચમાં નહોતો રમતો ને છતાં ભારતીય બેટિંગ સાવ સામાન્ય કક્ષાની રહી હતી. ભારતીય ટીમના કેપ્ટન કે.એલ. રાહુલે સાવ સાધારણ કક્ષાની કેપ્ટન્સીનો પરિચય આપ્યો તેના કારણે પણ ચાહકોમાં આક્રોશ છે.
રાહુલે ઓલરાઉન્ડર તરીકે ટીમમાં લેવાયેલા વેંકટેશ અય્યર પાસે બોલિંગ જ ના કરાવીને આશ્ચર્ય સર્જ્યું હતું. ચાહકોન મતે ભારતની હાર માટે આ મુખ્ય કારણ છે.
ભારતે શાનદાર શરૂઆત કરીને આફ્રિકાની ત્રણ વિકેટ ઝડપથી પાડી દીધી હતી પણ કેપ્ટન બવુમા અને વાન ડેર ડૂસેને આફ્રિકાને સંભાળ્યું હતું. ઈન્ડિયન ટીમ બવુમા અને વાન ડેર ડૂસેનની પાર્ટનરશિપ તોડવા માટે પોતાની તાકાત લગાવી રહી હતી ત્યારે કેપ્ટન રાહુલે વેંકટેશને બોલિંગ કેમ ના આપી એ કોઈને સમજાયું નથી.
ભારતના બંને સ્પિનર અશ્વિન અને ચહલે સારી બોલિંગ કરીને 20 ઓવરમાં 106 રન આપ્યા હતા. પિચ બેટિંગ માટે અનુકૂળ હતી પણ સ્પિનરોને તોડી મદદ મળતી હતી. અય્યર સ્પિનર હોવાથી તે પણ આફ્રિકાના રન રેટ પર બ્રેક મારીને દબાણ સર્જી શક્યો હોત પણ રાહુલે અય્યરને તક જ નહોતી આપી. અય્યરને બોલિંગ મલી હોત તો વીસેક રનનો ફરક પડી ગયો હોત ને ભારત 35 રને હાર્યું એ જોતાં ભારત માટે જીત શક્ય હતી.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વન-ડે સિરીઝ ની પહેલી મેચના એક દિવસ પહેલા કેપ્ટન કેએલ રાહુલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કેએલ રાહુલે આ દરમિયાન સંકેત આપ્યો છે કે, યુવા ઓલરાઉન્ડર વેંકટેશ ઐયરનો આગામી સમયમાં છઠ્ઠા બોલર તરીકે ઉપયોગ કરી શકાય છે. પ્રેસ કોન્ફરન્સમાં કેએલ રાહુલને સવાલ કરવામાં આવ્યો હતો કે શું પ્લેઈંગ-11માં છઠ્ઠા બોલર તરીકે કોઈને તક મળી શકે છે. કેએલ રાહુલે આ અંગે વેંકટેશ અય્યરનું નામ લીધું અને તેમના વખાણ કર્યા હતાં. કેપ્ટને કહ્યું કે વેંકટેશે આઈપીએલમાં સારૂ પ્રદર્શન કર્યું છે, તેને ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીમાં પણ તક મળી છે. કેપ્ટન રાહુલે કહ્યું કે વેંકટેશ અય્યર નેટમાં ઘણો સારો દેખાવ રહ્યો છે, તેને છઠ્ઠા બોલર તરીકે તક મળી શકે છે. વિશ્વની તમામ ટીમો આ વિકલ્પ શોધી રહી છે, તેથી અમે પણ આ યોજના પર કામ કરી રહ્યા છીએ. રાહુલે પોતે આ વાતનો મેદાન પર અમલ ન કર્યો.