નવી દિલ્હીઃ ક્રિકેટની દુનિયામાં કેટલાય ખેલાડીઓ એવા છે જેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધા બાદ વાપસી કરી છે. હવે આ લિસ્ટમાં કેરેબિયન ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોનુ નામ પણ જોડાઇ ગયુ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લઇ ચૂકેલો ડ્વેન બ્રાવો ફરી એકવાર મેદાન પર જોવા મળશે, કેમકે વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડે તેને ટીમમાં સામેલ કર્યો છે.

વેસ્ટ ઇન્ડિઝના ઓલરાઉન્ડર ક્રિકેટર ડ્વેન બ્રાવોએ વર્ષ 2018માં ટી20 અને વનડે ઇન્ટરનેશનલ ક્રિકેટ અને વર્ષ 2016માં ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધો હતો. હવે લાંબા સમય બાદ તેની ટીમમાં ફરીથી વાપસી થઇ છે. વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડે તેને આયરલેન્ડ સામેની ત્રણ ટી20 મેચોની સીરીઝ માટે સિલેક્ટ કર્યો છે.



કેરેબિયન ક્રિકેટ બોર્ડના સિલેક્ટરો અનુસાર, ડ્વેન બ્રાવોને ટીમમાં સામેલ કરવા પાછળ ડેથ ઓવરનો રેકોર્ડનુ કારણ આપવામાં આવ્યુ છે. પસંદગીકારોનુ કહેવુ છે કે, બ્રાવોનો ડેથ ઓવરોનો રેકોર્ડ ખુબ સારો છે, અને અનુભવની સાથે સાથે તે અન્ય બૉલરોને પણ મદદ કરી શકે છે. બ્રાવો ડેથ ઓવરોમાં હરિફ ટીમને હંફાવી શકે છે.


ઉલ્લેખનીય છે કે, ડ્વેન બ્રાવોને ટીમમાં સામેલ કરવા પાછળ ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી20 વર્લ્ડકપ 2020ને પણ જોવામાં આવી રહ્યો છે.



ડ્વેન બ્રાવોએ 66 ટી20 ઇન્ટરનેશનલ મેચો રમી છે, બ્રાવોએ 1142 રન બનાવ્યા છે, અને 52 વિકેટ ઝડપી છે. આમ એક ઓલરાઉન્ડર તરીકે બ્રાવોને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હોઇ શકે છે.