નવી દિલ્હીઃ આઇપીએલની 13મી સિઝન અડધી ઉપર પુરી થઇ ચૂકી છે. સ્ટાર ક્રિકેટરો આ વખતે આઇપીએલમાંથી બહાર થઇ રહ્યાં છે, હવે આ લિસ્ટમાં ચેન્નાઇ સુપર કિંગ્સના સ્ટાર ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોનુ નામ પણ જોડાઇ ગયુ છે. ડ્વેન બ્રાવો હાલની આઇપીએલમાંથી બહાર થઇ ગયો છે. પ્લેઓફની રેસમા જગ્યા બનાવવાની રેસમાંથી લગભગ બહાર થઇ ગયેલી ધોનીની ટીમને આઇપીએલમાં આ મોટો ફટકો લાગ્યો છે.

37 વર્ષીય સ્ટાર ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો કેટલાય વર્ષોથી સુપરકિંગ્સ સાથે જોડાયેલો છે, 17 ઓક્ટોબરે શારજહાંમાં દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ ગ્રોઇનની ઇજા થવાનના કારણે બૉલિંગ કરવા ન હતો ઉતરી શક્યો.

કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ દિલ્હી સામે છેલ્લી ઓવર બ્રાવોના હોવાના કારણે રવિન્દ્ર જાડેજાને સોંપી હતી. જાડેજાની ઓવરમાં અક્ષર પટેલે ત્રણ છગ્ગા ફટાકરીને દિલ્હીને જીત અપાવી હતી.

ચેન્નાઇ સુપર કિંગ્સના સીઇઓ કાશી વિશ્વનાથને કહ્યું- ડ્વેન બ્રાવો ગ્રોઇનની ઇજાના કારણે આઇપીએલમાંથી બહાર થઇ ગયો છે. બ્રાવો સુપર કિંગ્સ તરફથી છ મેચોમાં બે ઇનિંગમાં સાત રન જ બનાવી શક્યો છે, તેને છ વિકેટ ઝડપી છે, અને આ દરમિયાન 8.57 રન પ્રતિ ઓવરની ઝડપે રન આપ્યા છે.