ENG vs AUS: ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી એશિઝ સીરિઝની પ્રથમ ટેસ્ટના બીજા દિવસે બેન સ્ટોક્સની ઓવરને લઈ વિવાદ છેડાયો છે. સ્ટોક્સે તેની પ્રથમ ઓવરના ચોથા બોલ પર ડેવિડ વોર્નરને ક્લિન બોલ્ડ કર્યો હતો. પરંતુ ટીવી રિપ્લેમાં જોતાં તે નોબોલ હતો અને વોર્નરને આ રીતે 17 રનના સ્કોર પર જીવનદાન મળ્યું હતું. જ્યારે રિપ્લેમાં જોવામાં આવ્યું કે સ્ટોક્સની તે ઓવરના ચાર બોલ નોબોલ હતો પરંતુ એમ્પાયરે માત્ર એક જ બોલને નોબોલ આપ્યા બાદ વિવાદ શરૂ થયો હતો. આઈસીસીના નિયમ મુજબ ટીવી એમ્પાયરે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને દરેક બોલ પર નજર રાખવાની હોય છે. ધ ક્રિકેટરના રિપોર્ટ મુજબ, બેન સ્ટોક્સે 14 વખત નોબોલ નાંખ્યો હતો છતાં એમ્પાયરનું તેના પર ધ્યાન ગયું નહોતું.
સીરિઝની હોસ્ટ બ્રોડકાસ્ટર ચેનલ સેવને પુષ્ટિ કરી છે કે મેચ શરૂ થતા પહેલા ટીવી એમ્પાયર પાસે દરેક બોલને ચેક કરવાની જે સિસ્ટમ હોય છે તેમાં ટેકનિકલી ખરાબી આવી હતી અને આ કારણે મેચ જૂની ટેકનિકથી જ રમાઈ રહી છે. જેમાં માત્ર વિકેટ પડે તે બોલ જ ચેક કરવામાં આવે છે. 2019માં આઈસીસીએ પ્રથમ વખત તેનું ટ્રાયલ કર્યુ હતું અને દરેક બોલ નોબોલ છે કે નહીં તે ચેક કર્યુ હતું. જે બાદ 2020માં ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે સીરિઝ દરમિયાન તેને પ્રથમ વખત ટેસ્ટમાં લાગુ કરવામાં આવી હતી.
આજની મેચમાં થયેલા છબરડાને લઈ હવે વિવાદ વધ્યો છે. ઓસ્ટ્રિલાયનાના પૂર્વ કેપ્ટન રિકિ પોન્ટિંગ અને પૂર્વ એમ્પાયર સાયમન ટફલે આની નિંદા કરી છે. મેચની વાત કરીએ તો બ્રિસબેનના ગાબા મેદાન પર રમાઈ રહેલી મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો લીધો હતો અને માત્ર 147 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. હાલ ઓસ્ટ્ર્રેલિયાએ 5 વિકેટના નુકસાન પર 225 રન બનાવીને 78 રનની લીડ લીધી છે. વોર્નર 94 રન બનાવી આઉટ થયો હતો.