ENG vs NED, WC 2023: નેધરલેન્ડ અને ઈંગ્લેન્ડ આજે (8 નવેમ્બર) વર્લ્ડ કપ 2023માં ટકરાશે. જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ આ વર્લ્ડ કપમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન બાદ સેમિફાઈનલની રેસમાંથી પહેલા જ બહાર થઈ ગયું છે, ત્યારે નેધરલેન્ડ્સની ટીમ હજુ પણ રેસમાં છે. જોકે તે આ રેસમાં ખૂબ જ પાછળ છે


અત્યાર સુધીમાં ત્રણ ટીમોએ સેમિફાઇનલ માટે તેમની ટિકિટ કન્ફર્મ કરી લીધી છે. જેમાં ટીમ ઈન્ડિયા, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. ચોથા સ્થાન માટે ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને નેધરલેન્ડ્સ વચ્ચે રેસ છે. જો નેધરલેન્ડ્સને સેમિફાઇનલમા સ્થાન મેળવવું હશે તો તેણે તેની બાકીની બે મેચો (ઈંગ્લેન્ડ અને ભારત) મોટા માર્જિનથી જીતવી પડશે. આ સાથે તેણે પ્રાર્થના પણ કરવી પડશે કે ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તેમની છેલ્લી મેચ હારી જાય.


નેધરલેન્ડ્સ આજે જ્યારે મેદાનમાં ઉતરશે ત્યારે તે વન-ડે ક્રિકેટમાં ઈંગ્લેન્ડ સામે પોતાની પ્રથમ જીત હાંસલ કરવાનો પ્રયાસ કરશે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 6 મેચ રમાઈ છે અને તમામ મેચમાં ઈગ્લેન્ડની ટીમે જીત મેળવી છે. આ તમામ મેચો એકતરફી રહી છે. તેમાંથી આ બંને ટીમો ફક્ત ત્રણ વખત વર્લ્ડ કપ મેચમાં જ ટકરાયા છે. જ્યારે બાકીની ત્રણ મેચો ગયા વર્ષે રમાયેલી વનડે શ્રેણીમાં રમાઈ હતી. આમાં ઈંગ્લેન્ડે પણ નેધરલેન્ડ્સ સામે વનડે મેચમાં 498 રન કર્યા હતા.


આ વખતે નેધરલેન્ડ્સ પાસે ઇંગ્લેન્ડ સામે જીતવાની ગોલ્ડન તક છે. કારણ કે બેક ટુ બેક મેચો હાર્યા બાદ ઈંગ્લિશ ટીમ પોતાનો આત્મવિશ્વાસ સંપૂર્ણપણે ગુમાવી ચૂકી છે. તેના ખેલાડીઓ નિરાશ દેખાય છે. દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશને હરાવ્યા બાદ નેધરલેન્ડ્સની ટીમનું મનોબળ વધ્યું છે.


ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડ્સના વર્તમાન ફોર્મ પર નજર કરીએ તો આ મુકાબલામા તે ઈગ્લેન્ડને ટક્કર આપી શકે છે. આ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડનું બોલિંગ આક્રમણ નબળું જોવા મળી રહ્યું છે. બીજી તરફ નેધરલેન્ડ્સના બોલરોએ અપેક્ષા કરતા અનેકગણું સારું પ્રદર્શન કર્યું છે. નેધરલેન્ડ્સના ફાસ્ટ અને સ્પિન બોલરો વચ્ચે સારું સંતુલન છે. જો કે બેટિંગમાં નેધરલેન્ડ્સ અને ઈંગ્લેન્ડની હાલત સમાન રહી છે. બંને ટીમના કેટલાક બેટ્સમેનોએ જ સારું પ્રદર્શન કર્યું છે.