Nottingham Test:  નોટિંગહામમાં ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ (ENG vs NZ) વચ્ચે રમાયેલી ટેસ્ટ ખૂબ જ રસપ્રદ રીતે સમાપ્ત થઈ. મેચના અંતિમ દિવસે ઇંગ્લેન્ડના બેટ્સમેનોએ ટી-20 જેવી ક્રિકેટ રમીને ટેસ્ટ મેચ જીતી લીધી હતી. છેલ્લા દિવસે પ્રથમ સત્રમાં ન્યૂઝીલેન્ડની બીજી ઇનિંગ્સને સમેટી લીધા બાદ ઇંગ્લેન્ડને 299 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને ઇંગ્લિશ બેટ્સમેનોએ 50 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. આ ઝડપી રન ચેઝમાં જોની બેયરસ્ટો અને બેન સ્ટોક્સે 121 બોલમાં 179 રનની ધમાકેદાર ભાગીદારી નોંધાવીને ઈંગ્લેન્ડની જીતનો પાયો રાખ્યો હતો. બેયરસ્ટોને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો.


પાંચમા દિવસના પ્રથમ સેશનમાં ન્યૂઝીલેન્ડ ઓલઆઉટ


ન્યૂઝીલેન્ડે ચોથા દિવસે 224/7ના સ્કોરથી પોતાની ઇનિંગની શરૂઆત કરી હતી. આ સમયે ન્યૂઝીલેન્ડની કુલ લીડ 238 રનની હતી. પાંચમા દિવસના પહેલા સેશનમાં જ ઇંગ્લિશ અનુભવી બોલર જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડે ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સને સમેટી લીધી હતી. 284 રન પર ઇનિંગ્સનો અંત આવ્યો હતો. એટલે કે ઈંગ્લેન્ડને 299 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટ હાંસલ કરવા માટે ઈંગ્લેન્ડને 75થી ઓછી ઓવર મળી હતી.


બેયરસ્ટોની તોફાની સદી અને ઈંગ્લેન્ડની જીત


ઇંગ્લેન્ડે આખરી દિવસે 299 રનના આ ટાર્ગેટનો પીછો શરૂઆતમાં જ આસાનીથી કર્યો હતો. જોકે, 56 રન આવ્યા ત્યાં સુધીમાં ઈંગ્લેન્ડે તેની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આમાં જો રૂટની વિકેટ પણ સામેલ હતી. 93 રનના સ્કોર સુધી પહોંચતા જ ઈંગ્લેન્ડની ચોથી વિકેટ પણ પડી ગઈ હતી. અહીંથી એવું લાગતું હતું કે ટાર્ગેટનો પીછો કરવાને બદલે ઇંગ્લેન્ડ મેચ ડ્રો કરવાનો પ્રયાસ કરશે પરંતુ એવું થયું નહીં. કેપ્ટન બેન સ્ટોક્સ અને જોની બેયરસ્ટોના ઈરાદા અલગ હતા. આ બંનેએ ટેસ્ટમાં ટી20ની જેમ રમતા 121 બોલમાં 179 રનની ભાગીદારી કરીને ઈંગ્લેન્ડને જીતની આશા આપી હતી. બેયરસ્ટો 92 બોલમાં 136 રન બનાવીને આઉટ થયો હતો જ્યારે સ્ટોક્સે 70 બોલમાં 75 રનની અણનમ ઈનિંગ રમી હતી અને ઈંગ્લેન્ડને જીત અપાવીને જ પેવેલિયન પરત ફર્યો હતો.


છેલ્લા બે દિવસમાં મેચની સ્થિતિ પલટાઈ ગઈ


નોટિંગહામ ટેસ્ટના પ્રથમ ત્રણ દિવસ બેટ્સમેનોનો દબદબો રહ્યો હતો. આ ત્રણ દિવસમાં માત્ર 15 વિકેટ પડી શકી. એવું લાગતું હતું કે આ ટેસ્ટ ડ્રો થશે. પરંતુ ચોથા દિવસે બોલરોનો દબદબો જોવા મળ્યો હતો. ચોથા દિવસે બંને ટીમના બોલરોએ 12 વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડે ત્રીજા દિવસનો અંત 473/5ના સ્કોર પર કર્યો હતો પરંતુ ચોથા દિવસે આ ટીમ માત્ર 66 રન ઉમેરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 539 રન પર સમાપ્ત થયો હતો.


ઇંગ્લેન્ડ પ્રથમ દાવના આધારે 14 રનથી પાછળ હતું, ત્યારબાદ શાનદાર બોલિંગ કરીને ચોથા દિવસના અંત સુધી ન્યૂઝીલેન્ડની 7 વિકેટો લીધી હતી. આ પછી ઇંગ્લેન્ડે પાંચમા દિવસે પ્રથમ સત્રમાં ન્યુઝીલેન્ડની બીજી ઇનિંગ્સને સમેટી લીધા બાદ આ ટેસ્ટ અણધારી રીતે જીતી લીધી હતી.



  • ન્યૂઝીલેન્ડ પ્રથમ ઈનિંગ: 553 રન

  • ઈંગ્લેન્ડ પ્રથમ ઈનિંગ: 539 રન

  • ન્યૂઝીલેન્ડ બીજી ઈનિંગ: 284 રન

  • ઇંગ્લેન્ડ બીજી ઈનિંગ: 299/5