ICC Window For IPL: BCCI સેક્રેટરી જય શાહે કહ્યું કે, ICC તરફથી IPL 2023 માટેની વિન્ડો મળી ગઈ છે. વાસ્તવમાં, IPLને ICC તરફથી અઢી મહિનાનો સમય મળશે. આ અગાઉ IPL મીડિયા અધિકારો માટે હરાજી થઈ હતી. સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કે ટેલિવિઝન અધિકારો જીત્યા હતા, જ્યારે રિલાયન્સ વાયાકોમ 18ને ડિજિટલ અધિકારો મળ્યા છે. IPL મીડિયા અધિકારોની હરાજીમાં મોટી રકમ બાદ BCCI સેક્રેટરી જય શાહે મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે આ વિશ્વની સૌથી મોટી અને લોકપ્રિય લીગ છે. તેથી આઈપીએલ મીડિયા અધિકારો માટેની હરાજીમાં મોટી રકમથી તેને આશ્ચર્ય થયું ન હતું.
IPL વિશ્વની સૌથી મોટી લીગ
BCCI સેક્રેટરી જય શાહે કહ્યું કે, IPL વિશ્વની સૌથી મોટી લીગ છે. સાથે જ તેણે કહ્યું કે તે આખી દુનિયામાં લોકપ્રિય પણ છે. તેણે કહ્યું કે IPL એ કોરોના સમયગાળા દરમિયાન ક્રિકેટના વાતાવરણને પુનઃસ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. IPL મીડિયા અધિકારો અંગે જય શાહે કહ્યું કે વર્ષ 2017માં ડિજિટલ સ્ટ્રીમિંગ જોનારા લોકોની સંખ્યા 560 મિલિયન હતી. પરંતુ 2022માં માત્ર 5 વર્ષ બાદ આ સંખ્યા વધીને 665 મિલિયન થઈ ગઈ છે. આવી સ્થિતિમાં આવનારા સમયમાં ડિજિટલ સંખ્યામાં વધારો થશે એમ કહેવું ખોટું નહીં હોય.
સ્ટાર ઈન્ડિયાએ TV અને Viacom18એ ડિજીટલ રાઈટ્સ ખરીદ્યા
આ વખતે BCCIએ 4 ગ્રુપમાં મીડિયા રાઈટ્સ વેચવાનો નિર્ણય કર્યો હતો. પહેલા ગ્રુપમાં ભારતમાં ટીવી મીડિયા રાઈટ્સ હતા અને આ રાઈટ્સ માટે 23,575 કરોડ રુપિયાની બોલી લગાવામાં આવી હતી. બીજા ગ્રુપમાં ઓટીટી પ્લેટફોર્મ એટલે કે ડિજીટલ રાઈટ્સનું હતું અને ડિજીટલ રાઈટ્સમાં 20,500 કરોડ રુપિયાની બોલી લગાવાઈ હતી. ત્રીજા ગ્રુપની સ્પેશયલ કેટેગરીના મેચ માટે હતી જેના માટે 3,258 કરોડ રુપિયાની બોલી લગાવામાં આવી હતી. જ્યારે અંતિમ ચોથા ગ્રુપમાં વિદેશી બ્રોડકાસ્ટ રાઈટ્સ માટે હતી જેના માટે 1,057 કરોડ રુપિયાની બોલી લગાવામાં આવી હતી.
અલગ-અલગ કંપનીને મળ્યા રાઈટ્સ
ટીવી અને ડિજિટલ પ્રસારણના રાઈટ્સ અલગ-અલગ કંપનીઓને આપવામાં આવ્યા છે. સ્ટાર સ્પોર્ટ્સે આઈપીએલની મેચોના ટીવી રાઈટ્સ 23,575 કરોડ રુપિયાની બોલી લગાવીને જીત્યા છે અને વાયાકોમ 18 એ ડિજિટલ રાઈટ્સ એટલે કે OTT પ્લેટફોર્મ પર પ્રસારણ કરવાના રાઈટ્સ 20,500 કરોડ રુપિયાની બોલી લગાવીને જીત્યા છે. બીજી તરફ, Viacom18એ સ્પેશિયલ કેટેગરીના અધિકારો અને Viacom18 અને Times Internetએ વિદેશી મીડિયા રાઈટ્સ ખરીદ્યા છે.