ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમનો પાકિસ્તાનનો વર્તમાન પ્રવાસ એક યા બીજા કારણોસર ચર્ચામાં છે. હવે મુલતાનમાં શરૂ થઈ રહેલી બીજી ટેસ્ટ મેચના એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે ફાયરિંગની ઘટના બની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુલતાનમાં જ્યાં આ ઘટના બની હતી ત્યાંથી ઇગ્લેન્ડની ટીમની હોટલનું અંતર માત્ર એક કિલોમીટર છે. ઉલ્લેખનીય છે કે, ઇગ્લેન્ડની ટેસ્ટ ટીમ 17 વર્ષ બાદ પાકિસ્તાનના પ્રવાસે આવી છે.


PAK પોલીસે ચારની ધરપકડ કરી


ઈન્ડિપેન્ડન્ટના અહેવાલ મુજબ, આ ગોળીબાર બે જૂથો વચ્ચે થયો છે અને આ ઘટનાને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન પોલીસે ચારની ધરપકડ કરી છે. ઈંગ્લેન્ડની ટીમ પ્રેક્ટિસ માટે હોટલમાંથી બહાર નીકળી તે પહેલા ફાયરિંગનો અવાજ સંભળાયો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટનાની ઈંગ્લેન્ડ ટીમના પ્રેક્ટિસ સેશન પર કોઈ અસર થઈ નથી. પાકિસ્તાનના પ્રવાસ માટે ઈંગ્લેન્ડના ખેલાડીઓને રાષ્ટ્રપતિ સ્તરની સુરક્ષા પૂરી પાડવામાં આવી હોવાનું કહેવાય છે.


બંને ટીમો વચ્ચે રમાનારી બીજી ટેસ્ટની વાત કરીએ તો ઈંગ્લેન્ડે આ મેચ માટે માર્ક વુડને પોતાના પ્લેઈંગ-11માં સામેલ કર્યો છે. વુડે ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોનનું સ્થાન લીધું છે, જેને રાવલપિંડીમાં પ્રથમ ટેસ્ટ દરમિયાન ઘૂંટણની ઈજા થઈ હતી. પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડનો 74 રને વિજય થયો હતો. આવી સ્થિતિમાં જો ઈંગ્લેન્ડની ટીમ આ મેચ જીતી જશે તો તે ટેસ્ટ શ્રેણી પર કબજો કરી લેશે.


ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે બીજી ટેસ્ટ મેચની પૂર્વ સંધ્યાએ ન્યૂઝ એજન્સી એએફપીને કહ્યું, 'તમારી ટીમમાં એવો ખેલાડી હોવો એક મોટો બોનસ છે જે 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરે છે. વુડ જે રીતે બોલિંગ કરે છે, તે અમારા માટે સારુ સાબિત થશે.


2009માં શ્રીલંકાની ટીમ પર હુમલો થયો હતો


આ ફાયરિંગની ઘટનાએ વર્ષ 2009માં 3 માર્ચે શ્રીલંકાની ટીમ પર થયેલા ભયાનક હુમલાની યાદ અપાવી હતી. શ્રીલંકન ટીમ પર હુમલો ત્યારે થયો જ્યારે શ્રીલંકાના ખેલાડીઓ ટેસ્ટ મેચ રમવા માટે પોતાની હોટલથી લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ જઈ રહ્યા હતા. હુમલામાં તત્કાલિન કેપ્ટન મહેલા જયવર્દને, કુમાર સંગાકારા, અજંતા મેન્ડિસ, થિલાન સમરવીરા, ચામિંડા વાસ જેવા ખેલાડીઓ ઘાયલ થયા હતા. આ હુમલામાં પાકિસ્તાન પોલીસના 6 સૈનિકો સહિત 8 લોકો માર્યા ગયા હતા.