ENG vs PAK T20I Series: 17 વર્ષ પછી પાકિસ્તાનનો પ્રવાસ કરી રહેલી ઇગ્લેન્ડની ટીમે સાત મેચની T20I સીરિઝ જીતી હતી. ઈંગ્લેન્ડે 3-3 લેવલની સીરિઝની છેલ્લી અને નિર્ણાયક મેચમાં પાકિસ્તાનની ટીમને 67 રને હરાવ્યું હતું. ફાઈનલ મેચમાં ડેવિડ મલાન 'પ્લેયર ઓફ ધ મેચ' રહ્યો હતો. જ્યારે હેરી બ્રુકને 'પ્લેયર ઓફ ધ સિરીઝ' તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. બ્રુકે સમગ્ર સીરિઝ દરમિયાન એક પછી એક ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. તેણે કુલ 238 રન બનાવ્યા હતા.






નિર્ણાયક મેચમાં ઇગ્લેન્ડના બેટ્સમેનોનું જોરદાર પ્રદર્શન


સિરીઝની છેલ્લી મેચમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ઈંગ્લેન્ડને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ઓપનર ફિલ સોલ્ટ (20) અને એલેક્સ હેલ્સ (18)એ ધમાકેદાર શરૂઆત કરી હતી. જો કે બંને ખેલાડીઓ જલ્દી જ પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી ડેવિડ મલાને એક છેડો સાચવ્યો હતો. તેણે 47 બોલમાં 78 રનની ઝડપી ઇનિંગ રમી હતી. બેન ડુકેટ (30) અને હેરી બ્રુકે (46) તેને સારો સાથ આપ્યો હતો. નિર્ધારિત 20 ઓવરમાં ઈંગ્લેન્ડે 3 વિકેટ ગુમાવીને 209 રન ફટકાર્યા હતા.






પાકિસ્તાનની નબળી બેટિંગ


210 રનના ટાર્ગેટના જવાબમાં પાકિસ્તાનની ટીમે ખરાબ શરૂઆત કરી હતી. 5 રનના કુલ સ્કોર પર બંને ઓપનરોની વિકેટો પડી ગયા બાદ કોઇ પણ બેટ્સમેનો સારુ ભાગીદારી કરી શક્યા નહોતા. શાન મસૂદ (56) અને ખુશદિલ શાહ (27)એ થોડો સમય ક્રિઝ પર વિતાવ્યો પરંતુ તે ટીમને જીત અપાવી શક્યા નહોતા. પાકિસ્તાનની ટીમ નિર્ધારિત ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 142 રન જ બનાવી શકી હતી. આ રીતે ઈંગ્લેન્ડે આ મેચ મોટા અંતરથી જીતીને  સીરિઝ જીતી લીધી હતી. ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ વોક્સે ત્રણ, ડેવિડ વિલીએ બે અને અન્ય બોલરોએ એક-એક વિકેટ લીધી હતી.